દેશમાં કોરોના વાયરસ ફરી માથુ ઉંચકી રહ્યું છે. ગાંધીનગરમાં નવા વેરિયન્ટના બે કેસ નોંધાતા ખડભડાટ મચી ગયો છે. હવે રાજ્ય સરકાર એલર્ટ મોડમાં છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હાલ વિશ્ર્વમાં જોવા મળી રહેલા JN-1 વેરિયેન્ટથી લોકોએ ગભરાવવાની જરૂર નથી. આ વેરિયન્ટના કેસોમાં તેની ઘાતકતા ઓછી જોવા મળી છે. જેથી લોકોએ ગભરાવવા નહીં, પરંતુ સતર્કતા રાખવી જરૂરી છે. તેમણે કહ્યું છે કે, રાજ્યમાં 13 કોરોનાના કેસ નોંધાયા છે, જેમાં નવા વેરિયન્ટનો એક પણ કેસ નથી. ભારતમાં કુલ 2300 જેટલા કેસ નોંધાયેલા છે. કોરોનાની અસર વાઈબ્રન્ટ ગુજરાત સમિટને નહીં થાય.
કોરોનાના નવા વેરિયન્ટને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે, આ વખતે કોરોનાનો નવો વેરિયેન્ટ દુનિયાની તુલનામાં ઓછો સંક્રમક છે, આનાથી આજ દિવસ સુધી મૃત્યુ કે ફેલાવો નથી થયો. ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં આગામી દિવસોમાં વાઇબ્રન્ટ સમિટનું આયોજન થવાનુ છે, ત્યારે તેમને કોરોનાનો લઇને જણાવ્યુ કે વાઇબ્રન્ટ સમિટને આ કોરોના વેરિયન્ટની કોઇ અસર થવાની નથી. ઋષિકેશ પટેલે કહ્યું કે, અત્યારે માત્ર માત્રે સાવધાની રાખવાની છે, 99 ટકા કેસ ઘરે સારવારથી જ સાજા થઈ રહ્યાં છે. વિદેશથી આવતા લોકોમાં લક્ષણ હશે તો તેમને ટેસ્ટ કરાવવાનું કહેવામાં આવશે, સમયે સમયે જે જરૂર લાગશે તે પગલાં લેવામાં આવશે. રાજ્યમાં છેલ્લા છ મહિનામાં દર મહિને 20 જેટલા કેસ મળ્યા છે. ગાંધીનગરમાં બે મહિલાને કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ બંને મહિલા સેક્ટર-6ની રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. આ બંને મહિલાઓએ દક્ષિણ ભારતમાં મુસાફરી કરી હતી.બંને મહિલાઓએ વેક્સિનના બે ડોઝ લીધેલા હતા. કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ઉંગ-1 મળી આવ્યા બાદ કેન્દ્ર સરકારે ચેતવણી જારી કરી છે. જેમાં જણાવાયું છે કે, આગામી સીઝન તહેવારોની હોઈ જાહેર આરોગ્યના મોરચે પૂરતા પ્રમાણમાં પગલાં લેવા જરુરી છે અને રોગનું ઓછામાં ઓછું પ્રસરણ થાય તે પ્રકારની પરિવહન વ્યવસ્થા ગોઠવવી પણ જરૂરી છે. તેની સાથે શ્વાસોચ્છવાસની પ્રક્રિયાને પણ ઉચ્ચસ્તરે જાળવી રાખવી જરુરી છે.