જામનગર શહેરમાં નવાગામ ઘેડમાં રહેતાં શ્રમિક યુવાન ઉપર ચાર શખ્સોએ લત્તામાં આવવા બાબતે અને પોલીસમાં બાતમી આપવાની બાબતે પાઈપ અને ધોકા વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડમાં કબીરનગર વિસ્તારમાં રહેતાં અને મજૂરી કામ કરતાં રાહિલ હુશેનભાઈ બ્લોચ (ઉ.વ.28) નામનો યુવાન ગત તા.19 ના રાત્રિના સમયે તેના શેઠનું એકસેસ બાઈક લઇ તેના મિત્ર કરણ વિજયભાઈ પરમાર પાસે બેસવા ગયો હતો તે દરમિયાન રોહિત અને નિતિન નામના બે શખ્સોએ રાહિલને આંતરીને તું અમારા લત્તામાં શું કરવા આવ્યો છે ? અને રાહીલે મિત્રને મળવા આવ્યો હોવાનું કહેતાં રોહિત સદામ સિંગાળા, નીતિન અશોક સિંગાળા, રોહિત રાજુ મકવાણા ઉફેં દંતાળો અને રાજેન્દ્રસિંહ ઉર્ફે ગોટલી બાબભા રાયજાદા નામના ચાર શખ્સોએ એકસંપ કરી તું અમારી બાતમી પોલીસમાં આપશ તેમ કહી લાકડાના ધોકા, લોખંડના પાઈપ વડે રાહિલ ઉપર હુમલો કરી આડેધડ માર મારી ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ પતાવી દેવાની ધમકી આપી હુમલાખોરો નાશી ગયા હતા.
ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ એચ.બી. વડાવીયા તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.