ગુજરાત તથા દેશભરમાં છેલ્લાં ઘણાં સમયથી યુવા વયના વ્યક્તિઓને ઘાતક હૃદયરોગનો હુમલો આવવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને યુવાનોનો ભોગ લેવાની સંખ્યા વધતી જ જાય છે. ખંભાળિયાના વધુ એક 40 વર્ષીય યુવાનને હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યાની ઘટનાએ પરિવારને હચમચાવી દીધો છે.
બનાવની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાની રામનાથ સોસાયટી વિસ્તારમાં રહેતા અને મૂળ સલાયાના રહીશ કમલેશભાઈ લક્ષ્મીદાસ દાવડા (ઉ.વ.40) નામના યુવાનને ગઈકાલે બુધવારે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમને અહીંની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર મળે તે પૂર્વે જ તેમણે અંતિમશ્ર્વાસ લીધા હતા. હાર્ટ એટેકના વધતા જતા બનાવો વચ્ચે આશાસ્પદ રઘુવંશી વેપારી યુવાનના અકાળે અવસાનથી રામનાથ વિસ્તાર સાથે રઘુવંશી સમાજમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે, જામનગર અને દ્વારકા જિલ્લામાં પણ છેલ્લાં ઘણાં સમયથી બાળકોથી યુવા વર્ગના વ્યક્તિઓને ઘાતક હૃદયરોગના હુમલા આવવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. તેમાં પણ ખાસ કરીને હુમલા બાદ મોત નિપજવાની ઘટનાઓ વધતી જાય છે.