જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં રહેતી મહિલાને તેની પુત્રી સાથે કામ કરવા બાબતે થયેલી બોલચાલીનું લાગી આવતા માતાએ ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના સડોદર ગામના વાડી વિસ્તારમાં રહેતા કાજલબેન ભીખાભાઈ માલવીયા (ઉ.વ.40) નામની મહિલાને ગત તા.13 ના રોજ તેની પુત્રી સોનલબેન સાથે કામ કરવાની બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીનું મનમાં લાગી આવતા રવિવારે તા.17 નારોજ સાંજના સમયે તેના ખેતરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ મહિલાને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું મંગળવારે સાંજના સમયે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ ભીખાભાઇ દ્વારા જાણ કરાતા હેકો એ આર પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.