લાલપુર તાલુકાના આરબલુસ ગામની સીમમાં આવેલા વાડી વિસ્તારમાં રહેતાં ખેતમજૂરને મધ્યરાત્રિના સમયે બે અજાણ્યા લૂંટારુઓેએ ત્રાટકીને ફોન, ચાંદીના દાગીના અને રોકડ સહિતની માલમતાની લૂંટ ચલાવી પલાયન થઈ ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
લૂંટના બનાવની વિગત મુજબ, મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના સોરડીયા ગામનો વતની અને હાલ લાલપુર તાલુકાના આરબલુસ ગામની સીમમાં આવેલા હરદેવસિંહ જાડેજાના ખેતરમાં મજૂરી કામ કરતો કાલુભાઇ ફતિયભાઈ મેડા (ઉ.વ.37) નામનો ખેતમજૂર યુવાન 20 દિવસ પહેલાં મધ્યરાત્રિના સમયે તેના ખેતરે હતો તે દરમિયાન 25 થી 35 વર્ષના બે અજાણ્યા લૂંટારુંઓ ખેતરમાં પ્રવેશ્યા હતાં અને લૂંટારુઓએ યુવાનના પેન્ટના ખીસ્સામાં રાખેલો રૂા.5000 નો મોબાઇલ તથા રૂા.3000 ની રોકડ રકમ તેમજ દિવાલની ખીતીમાં ટીંગાળેલી થેલીમાં રાખેલી યુવાનની પત્નીની ચાંદીની બંગડી એક જોડી અને ચાંદીના ઝુમખા એક જોડી, રૂા.1800 ની કિંમતના મળી કુલ રૂા. 9800 ની માલમતાની બળજબરીપૂર્વક લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતાં. ત્યારબાદ યુવાને બનાવ અંગેની જાણ કરી હતી.
જેના આધારે પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફે બે અજાણ્યા લૂંટારુઓ વિરૂધ્ધ રોકડ રકમ અને દાગીનાનો લૂંટનો ગુનો નોંધી લૂંટારુઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.