- Advertisement -
ખંભાળિયા તાલુકાના ભંડારીયા ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ચાલી રહેલા રૂમના બાંધકામની ગુણવત્તા સંદર્ભે ફરિયાદો હોવાના અનુસંધાને રાજ્યના શિક્ષણ મંત્રી અત્રે દોડી આવ્યા હતા અને સ્થળ નિરીક્ષણ કરીને ચાલી રહેલું આ બાંધકામ તોડી પાડી, નવેસરથી કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણની શૈક્ષણિક વર્તુળો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ભંડારીયા ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં બિલ્ડિંગ માટેનું આશરે રૂપિયા અઢી કરોડના ખર્ચે નિર્માણકાર્ય કરવામાં આવી રહ્યું છે. તે પૈકી રૂપિયા 27.56 લાખના ખર્ચે બે રૂમ સહિતનું બાંધકામ પણ ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. આ કામ નબળું થઈ રહ્યું હોવાની ફરિયાદોને અનુલક્ષીને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા અત્રે રૂબરૂ દોડી આવ્યા હતા.
નવા ચાલી રહેલા બાંધકામમાં ચોક્કસ ભાગમાં તદ્દન હલકી ગુણવત્તાવાળું બાંધકામ થયું હોવાનું તેમના ધ્યાને આવતા તેમના દ્વારા આ બાંધકામ ડિમોલિશ કરી અને અહીં નવેસરથી કામ કરવા કોન્ટ્રાક્ટરને આદેશ કરવામાં આવ્યો છે. જે અંગેની નોંધ તેમના દ્વારા શાળાની મિનિટ્સ બુકમાં પણ કરવામાં આવી છે.
અહીંના શિક્ષણ અધિકારી કચેરીને વિમલભાઈ કિરતસાતા તેમજ સ્થાનિકોની ઉપસ્થિતિમાં શિક્ષણ મંત્રીએ આ કડક કાર્યવાહી કરતા વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 6,000 જેટલી નવી શાળાઓનું બાંધકામમાં હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે આ પ્રકારનું નબળું કામ કરતા લોકોને બોધપાઠ મળે તે હેતુથી આ હુકમ કરવામાં આવ્યો છે. રાજ્યમાં જે સ્થળોએ શાળાનું કામ નબળું થશે, ત્યાં આ જ પ્રકારે બાંધકામ તોડીને પાડવામાં આવશે તે બાબત પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.
રાજ્યના છેવાડાના એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષણ મંત્રીની રૂબરૂ મુલાકાત તેમજ તેમના દ્વારા કરવામાં આવેલા આકરા હુકમથી નબળું કામ કરતા કોન્ટ્રાક્ટરોમાં ભારે દોડધામ મચી જવા પામી છે.
- Advertisement -