જામનગર હેડ પોસ્ટ ઓફિસમાં રજાના દિવસો સિવાય સવારના 08:00 કલાકથી સાંજના 08:00 કલાક સુધી તમામ પ્રકારની ટપાલો જેવી કે પાર્સલ, સ્પીડ પોસ્ટ, રજિસ્ટર્ડ વગેરેની બુકિંગ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જામનગર હેડ પોસ્ટ ઓફિસની એક્સટેન્ડેડ કાઉન્ટર બુકીંગ સુવિધાથી દેશ-વિદેશમાં ટપાલો તથા પાર્સલ હવેથી સરળતાથી મોકલી શકાશે. જામનગરના પ્રજાજનોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા અધિક્ષક ડાકઘર, જામનગર મંડળ દ્વારા હવે ટપાલ તથા પાર્સલ બુકિંગની સુવિધા દિવસ દરમિયાન 12 કલાક સુધી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
નાગરિકોએ પાર્સલ બુકિંગ સેવાનો લાભ મેળવવા માટે જામનગર હેડ પોસ્ટ ઓફિસ, ચાંદી બજાર પાસે, જૈન દેરાસર સામે સવારના 08:00 કલાકથી સાંજના 08:00 કલાક દરમિયાન સંપર્ક કરી શકાશે. આ અંગે, વધુ માહિતી કચેરીના સંપર્ક નં. 0288-2671384 પરથી મેળવી શકાશે. તેમ અધિક્ષક ડાકઘર, જામનગર મંડળની યાદીમાં જણાવવામાં આવ્યું છે.