જામનગર શહેર નજીક ઢીચડામાં રહેતાં અને ખેતી કરતા વૃધ્ધ ગામની સરકારી સ્કૂલ પાસે બાઇક પર બેઠા હતાં ત્યારે દોડીને આવતી ગાયો બાઈક સાથે અથડાતા શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યું હતું.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના દરેક વિસ્તારોમાં અબોલ પશુઓનો ત્રાસ અસહ્ય બનતો જાય છે. થોડા-થોડા સમય અબોલ પશુઓને કારણે કોઇને કોઇ શહેરીજનોને કાં તો ગંભીર ઈજા પહોંચે છે અને કાં મોત નિપજવાની ઘટના બનતી રહે છે. ત્યારે વધુ એક આવી ઘટનામાં જામનગરના ઢીચડા ગામમાં રહેતાં અને ખેતી કરતા જુસબભાઈ ઈબ્રાહિમભાઈ ખફી (ઉ.વ.63) નામના વૃદ્ધ દસેક દિવસ પહેલાં બપોરના સાડા ત્રણ વાગ્યાના અરસામાં ગામમાં આવેલી સરકારી સ્કૂલ પાસેના ચોકમાં બાઈકની ઘોડી ચડાવીને બેઠા હતાં તે દરમિયાન અચાનક જ ગાયો દોડતી આવતા બાઈક સાથે અથડાઈ હતી જેના કારણે બાઈક પર બેસેલા વૃધ્ધને શરીરે ઈજા પહોંચતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાંથી ઓશવાળ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
ત્યારબાદ વૃદ્ધને હૃદયરોગનો હુમલો આવતા ફરીથી સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા હેકો એસ.કે. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.