દેશના અનેક ભાગોમાં વરસાદ આફત બનીને વરસી રહ્યો છે. ખાસ કરીને પહાડી રાજયોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. ત્યારે દેશના એવા ઘણા ભાગો છે જયાં વરસાદના અભાવે દુષ્કાળનુ સંકટ ઉભું થયું છે. અપ્રમાણસર વરસાદને કારણે દેશના ચોથા ભાગમાં દુષ્કાળનું જોખમ સર્જાયુ છે ત્યારે હવામાન વિભાગે પણ ઓગષ્ટમાં ચોમાસું નબળું રહેવાની આગાહી આપીને ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. દેશના ઘણા ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ હોવા છતાં, જમીનનો ચોથો ભાગ દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યો છે. આઇએમડીએ ઓગસ્ટમાં નબળા ચોમાસાની આગાહી કરી છે જેના પગલે કેટલાક વિસ્તારોમાં સ્થિતિ વધુ વણસી શકે છે. IIT-ગાંધીનગર દ્વારા સંચાલિત ભારતના પ્રથમ રીઅલ-ટાઇમ દુષ્કાળ-નિરીક્ષણ પ્લેટફોર્મ DEWSના ડેટા અનુસાર, દુષ્કાળની સ્થિતિ 27 એપ્રિલ, 2023ના રોજ 22.4, 26 જૂને 23.8 અને 19 જુલાઈએ 24.4 હતી. 26થી 31 જુલાઈ સુધી 25.1 ટકા શુષ્ક હતું. અગાઉના વર્ષની સરખામણીએ આ સમયગાળા દરમિયાન સૂકા ભૂમિ વિસ્તારમાં 7 ટકાનો વધારો જોવા મળ્યો હતો.એકંદરે 25.1 ટકા જમીનમાંથી 6.3 ટકા અત્યંત સૂકી છે જ્યારે 9.6 ટકા ગંભીર સૂકી સ્થિતિમાં છે. લગભગ 9.1 ટકા વિસ્તાર સાધારણ શુષ્ક સ્થિતિમાં છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારો મોટાભાગે પૂર્વીય રાજ્યો ઝારખંડ, બિહાર, પશ્ર્ચિમ બંગાળ તેમજ પૂર્વીય ઉત્તર પ્રદેશના ભાગો, મણિપુર, અરૂણાચલ પ્રદેશ, આસામ, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના ઉત્તર પૂર્વીય રાજ્યોમાં છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક ભાગો પણ દુષ્કાળની ઝપેટમાં છે. બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં 31 જુલાઈ સુધી અનુક્રમે 48, 46 અને 22 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આઇએમડીએ 31 જુલાઈના રોજના તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે 2023માં દક્ષિણપશ્ચિમ ચોમાસાની મોસમના બીજા ભાગમાં દેશમાં વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે.