જામનગર શહેરમાં આ વર્ષે ચોમાસાની સીઝનમાં ભારેથી અતિભારે વરસાદ વરસી જતાં શહેરમાં મોસમના સરેરાશ વરસાદ કરતા પણ વધુ વરસાદ વરસી ગયો છે. આજ દિવસ સુધીમાં આ વર્ષે જામનગર શહેરમાં 47 ઈંચ વરસાદ વરસી ગયો છે. ભારે વરસાદને કારણે જૂનવાણી અને જર્જરિત અસંખ્ય મકાનો ઉપર જોખમ તોળાઈ રહ્યું છે. આવા મકાનો કયારે ધરાશાયી થઈ જાય તે કહી શકાય તેમ નથી. જો કે, જર્જરિત મકાનધારકોને મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી દીધી છે. ત્યારે સોમવારે સાંજના સમયે શહેરના કડિયાવાડ વિસ્તારમાં આવેલા જર્જરિત-જૂનવાણી મકાન ધરાશાયી થયું હતું. જો કે, સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી. ઘટનાની થતા પૂર્વ કોર્પોરેટર નટુભાઈ રાઠોડ અને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના સુનિલ ભાનુશાળી તેમજ જી.ઇ.બી.ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. જ્યાં મહાનગરપાલિકાની ટીમ દ્વારા મકાન તોડી પાડવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.