ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં આજરોજ વસેલા વરસાદે તમામ જળ સ્ત્રોતોમાં ઘોડાપૂર લાવી દીધા છે. ખંભાળિયા શહેર નજીકના વાડી વિસ્તારમાં આ ભારે પુરના કારણે અહીંના મહાપ્રભુજી બેઠકજી વિસ્તારમાંથી પસાર થતાં પાણીના વહેણમાં 10 જેટલા ગૌવંશ તણાયા હતા. આ વિસ્તારમાં અહીંના સેવાભાવી એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરો તેમજ ગૌ પ્રેમીઓએ દોડી જઈ ચારને બચાવી લીધા હતા જોકે વરસાદી પુરમાં છ ગૌવંશ લાપતા બન્યા હતા.
આ કરુણાંતિકાની વિગત એવી છે કે ખંભાળિયા શહેરના પાદરમાં આવેલી મહાપ્રભુજીની બેઠક પાસે આજરોજ સવારના સમયે દસેક જેટલી ગાયો વૈષ્ણવો દ્વારા નાખવામાં આવેલું ઘાસ ચરતી હતી. તે દરમિયાન સવારના ભારે વરસાદના કારણે આ વિસ્તારમાં વરસાદી વહેણમાં વ્યાપક પ્રમાણમાં પુર ધસી આવ્યા હતા. પાણીના આ ધસમસતા પ્રવાસના લીધે ગૌવંશ સલામત સ્થળે પહોંચે તે પહેલા તણાવવા લાગ્યા હતા. જોતજોતામાં દસ પૈકી બે નાના વાછરડા, ત્રણ ગાય તેમજ એક ખૂટીઓ મળી છ ગૌવંશ પાણીમાં તણાઈ ગયા હતા. આ અંગેની જાણ અહીંની સેવાભાવી સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરોને કરવામાં આવતા સંસ્થાના વીસેક જેટલા યુવા કાર્યકરો તેમજ આ સ્થળે રહેલા ગૌભક્તો દોરડા સાથે પહોંચી ગયા હતા અને ચાર જેટલી ગાયોને સલામત રીતે બચાવવામાં સફળ થયા હતા. જોકે પાણીના પૂરમાં લોકોની નજર સામે છ જેટલા ગૌવંશ તણાઈ જતા ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
છ ગૌવંશ તણાઈ જતા કાર્યકરો પાણીના વહેણના કાંઠે-કાંઠે આગળ સુધી જોવા ગયા હતા. પરંતુ તણાયેલા ગૌવંશ ક્યાંય જોવા મળ્યા ન હતા. આ બનાવે ગૌ સેવકોમાં ભારે અરેરાટી પ્રસરાવી છે. પાણીમાં તણાતા ગૌવંશને બચાવવા માટેની કાર્યકરોની લાંબી જહેમત નોંધપાત્ર બની રહી હતી.