Monday, December 23, 2024
Homeરાજ્યહાલારજામજોધપુરના ધ્રાફામાં સાત અને કાલાવડના ખરેડીમાં છ ઈંચ વરસાદ

જામજોધપુરના ધ્રાફામાં સાત અને કાલાવડના ખરેડીમાં છ ઈંચ વરસાદ

દરેડમાં સાડા પાંચ ઈંચ, સમાણામાં પાંચ અને જામવણથલી તથા વાંસજાળિયામાં સાડા ચાર-ચાર ઈંચ : જામ વણથલીમાં જિલ્લાનો સૌથી વધુ વરસાદ

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં અવિરત રહેલી મેઘસવારીના કારણે જિલ્લાના મોટા ભાગના ડેમોમાં પાણીનો પુષ્કળ જથ્થો આવી જવાથી 25 પૈકીના 15 ડેમ ઓવરફલો થઈ ગયા છે. જ્યારે બાકીના ડેમોમાં પણ 80 ટકાથી વધુ પાણીનો જથ્થો આવી ગયો છે. આજે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડયો છે. જેમાં જામજોધપુરના ધ્રાફામાં 7, ખરેડીમાં 6, દરેડમાં સાડા પાંચ, સમાણામાં પાંચ અને જામવણથલી તથા વાંસજાળિયામાં સાડા ચાર-ચાર ઈંચ પાણી વરસી ગયું છે.

- Advertisement -

આ વર્ષે ચોમાસાની સીઝનનો પ્રારંભ થતાંની સાથે જ મેઘરાજાએ જામનગર શહેર ઉપર ઓળઘોળ થઈ મોસમના સરેરાશ વરસાદ જેટલું પાણી વરસાવી દીધું છે અને હવે તો પરિસ્થિતિ એ છે કે શહેર અને જિલ્લામાં જેટલો પણ વધુ વરસાદ પડશે તે નુકસાન કરી શકે તેમ છે. આજે સવારે 6 વાગ્યા સુધીના પુરા થતા 24 કલાકમાં ગ્રામ્ય વિસ્તાર ઉપર મેઘરાજા મહેરબાન થયા છે. જેમાં જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં સૌથી વધુ સાત ઈંચ વરસાદ વરસ્યો હતો. તેમજ જામજોધપુરમાં સાડા ચાર ઈંચ પાણી આકાશમાંથી વરસી ગયું હતું તથા સમાણામાં પાંચ ઈંચ અને વાંસજાળિયામાં સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. જામવાડીમાં ચાર અને શેઠવડાળામાં અઢી ઈંચ તથા ધુનડા અને પરડવામાં બે-બે ઈંચ વરસાદ પડયાના અહેવાલ છે. લાલપુર તાલુકાના પડાણા અને મોડપર ગામમાં અઢી-અઢી ઈંચ પાણી વરસ્યું છે જ્યારે લાલપુર ગામમાં માત્ર અડધો ઈંચ ઝાપટાંરૂપે વરસ્યો હતો તથા ભણગોર અને હરીપરમાં સવા-સવા ઈંચ તેમજ પીપરટોડા અને મોટા ખડબામાં ઝાપટાંરૂપે અડધો-અડધો ઈંચ વરસાદ પડયો હતો.

જામનગર શહેરમાં વધુ બે ઈંચ પાણી પડતા શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતાં. શહેરમાં વરસાદ બાદ મોટા ભાગના વિસ્તારોમાં પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. દર વખતે વરસાદ બાદ પાણી ભરાવાની સ્થિતિ રૂટિન બની જતા લોકો પણ હવે ચોમાસામાં થતા આ ત્રાસથી ટેવાઈ ગયા છે. જામનગર શહેરમાં વરસાદ બાદ જડેશ્ર્વર પાર્ક વિસ્તારમાં સાંજના સમયે પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે અને જામનગર તાલુકાના દરેડ ગામમાં સાડા પાંચ ઈંચ વરસાદ આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન વરસી ગયો છે. તેમજ જામવણથલીમાં ધોધમાર સાડા ચાર ઈંચ વરસાદ વરસી ગયો હતો. જામનગર તાલુકાના જામવથણલીમાં આજ સુધીમાં મોસમનો કુલ વરસાદ 1071 મિ.મી. (43 ઈંચ) પાણી વરસી ગયું છે. જે જિલ્લાનો સૌથી વધુ વરસાદ છે. જ્યારે મોટી બાણુંગારમાં ચાર ઈંચ અને અલિયાબાડામાં સવા ત્રણ ઇંચ પાણી પડયું છે. તથા મોટી ભલસાણ, ફલ્લા, લાખાબાવળ અને વસઈમાં અઢી-અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. જોડિયા ગામમાં 24 કલાક દરમિયાન સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે તાલુકાના પીઠડ ગામમાં બે ઈંચ અને હડિયાણામાં દોઢ તથા બાલંભામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.

- Advertisement -

ઉપરાંત ધ્રોલમાં આજેસવારે 6 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન ધોધમાર સાડા ચાર ઈંચ વરસાદ વરસી ગયો હતો. જેના કારણે ગામની મુખ્ય બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતાં તથા તાલુકાના જાલિયાદેવાણીમાં ધોધમાર ત્રણ ઈંચ અને લતીપુર તથા લૈયારામાં વધુ એક-એક ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે કાલાવડ ગામમાં પોણા બે ઈંચ પાણી આકાશમાંથી વરસ્યું હતું અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખરેડીમાં સૌથી વધુ છ ઈંચ વરસાદ વરસતા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા હતાં. ઉપરાંત મોટાવડાળા અને ભ.બેરાજામાં ધોધમાર ત્રણ-ત્રણ ઈંચ વરસાદ વરસી ગયો છે જ્યારે મોટા પાંચદેવડા અને નવાગામમાં વધુ બે બે ઈંચ તથા નિકાવામાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular