જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ બીજા રાઉન્ડમાં તોફાની બેટીંગ કરી હતી. ભારે ગાજવીજ સાથે સમગ્ર જિલ્લામાં વરસેલા સચરાચર વરસાદથી સાડા નવ ઈંચ પાણી વરસ્યું હતું. તેમાં જામનગર તાલુકાના જામવણથલી ગામમાં સૌથી વધુ સાડા નવ ઈંચ વરસાદ વરસ્યો હતો. તેમજ જામજોધપુરના શેઠવવડાળા, પરડવા, વાંસજાળિયા, સમાણા, મોટી ભલસાણમાં આઠ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી-પાણી થઈ ગયા હતાં. ભારે વરસાદને કારણે જિલ્લાના 14 ડેમ ઓવરફલો થવાથી આ ડેમ હેઠળ આવતા નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતાં.
હવામાન વિભાગની આગાહી મુજબ બુધવારે સવારના 8:30 વાગ્યાથી ગુરૂવારે સવારના 8:30 વાગ્યાના 24 કલાક દરમિયાન જામનગર શહેર અને જિલ્લામાં રેડઝોન જાહેર કરાયો હતો. જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આગાહી મુજબ જ જિલ્લામાં સર્વત્ર અડધા ઈંચ થી સાડા નવ ઈંચ જેટલું પાણી આકાશમાંથી વરસી જતાં ગ્રામ્ય વિસ્તારના ચેકડેમો, ડેમો અને તળાવમાં પુષ્કળ પાણીની આવક થઈ હતી. જેના કારણે જિલ્લાના 14 ડેમો ઓવરફલો થવાથી આ ડેમ હેઠળ આવતા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતાં. આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન જામજોધપુર ગામમાં આઠ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેમાં બપોરે 2 વાગ્યાથી 6 વાગ્યા સુધીના 4 કલાકમાં સાત ઈંચ વરસાદ વરસી જતાં ગામમાં પાણી-પાણી થઈ ગયા હતાં અને આજે સવાર સુધીમાં કુલ 193 મિ.મી. અંદાજે આઠ ઈંચ પાણી આકાશમાંથી વરસી ગયું હતું.
જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જોઇએ તો શેઠવડાળા, પરડવા, વાંસજાળિયા, સમાણા, ધ્રાફામાં આઠ થી નવ ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસી ગયો હતો. જ્યારે જામવાડીમાં સાડા પાંચ ઈંચ, ધુનડામાં ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે લાલપુરમાં આજેસવારે 6 વાગ્યા સુધીમાં સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો અને ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ ભણગોરમાં સાડા છ ઈંચ વરસાદ પડયાના અહેવાલ છે અને હરીપર અને મોડપરમાં દોઢ દોઢ ઈંચ તથા મોટા ખડબામાં પોણો ઈંચ તેમજ પીપરટોડા અને પડાણામાં અડધો -અડધો ઈંચ વરસાદ પડયો હતો.
જામનગર શહેરમાં મધ્યરાત્રિથી ભારે ગાજવીજ સાથે મેઘરાજાએ વધુ ત્રણ ઈંચ પાણી આકાશમાંથી વરસાવ્યું હતું. શહેરમાં આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન વધુ ચાર ઈંચ પાણી વરસાવ્યું હતું. શહેરમાં ચાર ઈંચ વધુ પાણી પડતા અનેક ઠેકાણે પાણી ભરાઇ જવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. જ્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જામવણથલીમાં સૌથી વધુ સાડા નવ ઇંચ પાણી વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને મોટી ભલસાણમાં સાડા આઠ ઈંચ વરસાદ પડયો હતો તથા અલિયાબાડામાં પોણા છ ઈંચ અને મોટી બાણુંગારમાં ચાર ઈંચ તેમજ દરેડમાં ત્રણ ઈંચ પાણી પડયું હતું તેમજ ફલ્લામાં અઢી, વસઇમાં બે અને લાખાબાવળમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો.
કાલાવડ ગામમાં આજે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં 6 ઈંચ વરસાદ વરસી ગયો હતો અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પાંચદેવડામાં પાંચ ઈંચ, નવાગામ, ભ.બેરાજામાં સાડા ત્રણ-ત્રણ ઈંચ જ્યારે નિકાવામાં પોણા ત્રણ ઈંચ, મોટા વડાળામાં સવા બે ઈંચ અને ખરેડીમાં અડધો ઈંચ પાણી પડયું હતું. ધ્રોલ ગામમાં સવારે 6 વાગ્યા સુધીના આંકડાઓમાં બે ઈંચ ધીમી ધારે વરસી ગયો હતો. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જાલિયા દેવાણીમાં ચાર ઈંચ, લતીપરમાં બે અને લૈયારામાં એક ઇંચ પાણી પડયું હતું તથા જોડિયા તાલુકાના હડિયાણામાં પોણા ચાર ઈંચ, બાલંભામાં બે ઈંચ અને પીઠડ તથા જોડિયા ગામમાં અડધો-અડધો ઈંચ પાણી વરસ્યું હતું.
જામનગર જિલ્લામાં આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 989 મિ.મી.(39.5 ઈંચ), જોડિયામાં 517 મિ.મી.(20.7 ઈંચ), ધ્રોલમાં 547 મિ.મી.(21.8 ઈંચ), કાલાવડમાં 614 મિ.મી.(24.5 ઈંચ), લાલપુરમાં 427 મિ.મી.(17 ઈંચ) અને જામજોધપુરમાં 596 મિ.મી. (23.8 ઈંચ) વરસાદ વરસી ગયો છે.