Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતઅધિકમાં અઢળક : સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત જળબંબોળ

અધિકમાં અઢળક : સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત જળબંબોળ

ગીર સોમનાથ જિલ્લામાં આભ ફાટયું : સુત્રાપાડામાં 25 ઇંચ : વેરાવળમાં 23 ઇંચ

- Advertisement -

અધિક માસના પ્રારંભે જ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદના ત્રીજા તોફાની રાઉન્ડનો પ્રારંભ થયો છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં આભ ફાટયાની સ્થિતિનું નિર્માણ થયું છે. સૂત્રાપાડામાં 26 કલાકમાં રપ ઇંચ તો વેરાવળમાં 23 ઇંચ વરસાદથી સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો છે. આ ઉપરાંત તાલાલા, કોડિનારમાં પણ ભારે વરસાદને કારણે પુરની સ્થિતિ નિર્માણ પામી છે. લોકોને ઘરોમાં પાણી ભરાઇ જતાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સુરત, વાપી સહિતના વિસ્તારોમાં પણ અનરાધાર વરસાદને કારણે સ્થળ ત્યાં જળની સ્થિતિ નિર્માણ પામી છે. વાપીમાં વરસેલા 8 ઇંચ બેફામ વરસાદને કારણે લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. બીજી તરફ ગીરમાંથી પસાર થતી હિરણ નદીમાં ઘોડાપૂર આવતાં હિરણ બે ડેમના 7-7 દરવાજા ખોલી નાખવાની તંત્રને ફરજ પડી છે. જેને કારણે રાત્રિના સમયે નદીનો ધસમસતો પ્રવાહ લોકોના ઘર સુધી પહોંચી ગયો હતો. ગીર સોમનાથ જીલ્લાના ચાર તાલુકાઓ ઉપર મેઘરાજા ઓળઘોળ બની દિવસભર હેત વરસાવ્યું છે. ગઇકાલે સવારે 6 થી આજે સવારે 8 વાગ્યા સુધીમાં જીલ્લાના સુત્રાપાડામાં 25 ઈંચ જેટલો ભારે વરસાદ વરસી જતા પુરૂ નગર પાણી પાણી થઇ ગયું છે. જયારે કોડીનારમાં 9 ઈંચ, વેરાવળમાં 23 ઈંચ અને તાલાલામાં 12 ઈંચ જેવો ભારે વરસાદ વરસ્યો છે. ગીરગઢડામાં 1 ઈંચ અને ઉનામાં ઝાપટા વરસ્યા છે. સુત્રાપાડામાં ગત સાંજે બે કલાકમાં પાંચ ઇચ વરસાદ પડતા પ્રશ્ર્નાવાડા સહીતના ગામોના અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. આ બાદ સાંજે અને પૂરી રાત વરસાદ પડતા તાલુકામાં રર ઇંચ જેટલું પાણી વરસી ગયું છે. આજે સવાર સુધી વરસાદ ચાલુ રહ્યો હતો.

- Advertisement -

હવામાન વિભાગની આગાહી મુજબ ગઇકાલ સવાર થી જ જિલ્લાના વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર અને તાલાલા ચારેય તાલુકાઓના વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ જઈ મેઘરાજાએ ધીમીધારે હેત વરસાવવાનું શરૂ કરેલ જે દિવસભર ચાલુ રહેલ હતું. દિવસ દરમ્યાન અનેકવાર ધોધમાર તો ઘડીભર ધીમીધારે સતત વરસાદ વરસી રહ્યો હતો. ગઇકાલે ચારેય તાલુકાઓમાં 4 થી લઈને 22 ઈંચ જેવા ભારે વરસાદ વરસ્યાના પગલે અનેક નદીઓમાં ઘોડાપુર આવેલ તો નાળાઓ પણ છલકાય ગયા હતા. અમુક ગ્રામ્ય વિસ્તારોના તથા શહેરના માર્ગો ઉપર ગોઠણડુબ પાણી ભરાઈ ગયા હતા. જેના લીધે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ગઇકાલે વેરાવળ સોમનાથ જોડીયા શહેરમાં સવારથી સતત વરસાદ વરસી રહેલ અને સાંજ સુધીમાં 6 ઈંચ જેવો ધીમીધારે વરસાદ વરસી ગયો હતો. જેના પગલે બજારોમાં રજા જેવો માહોલ જોવા મળતો હતો. બાદ રાતથી સવાર સુધીમાં અનરાધાર વરસાદ ચાલુ રહેલા ર4 કલાકમાં કુલ ર3 ઇંચ પાણી પડી ગયું હતું.

ભારે વરસાદના કારણે ઉમરેઠી સ્થિત હિરણ 2 ડેમના સાતેય દરવાજા ખોલવા પડયા હતા. ગીર પંથકમાં મૂશળધાર વરસાદ કારણે પાણીની ભરપુર આવક હોવાથી હિરણ 2 ડેમના સાતેય દરવાજા મોડી સાંજે ખોલવામાં આવ્યા. જેમાં પાંચ દરવાજા 0.60 મીટર (બે ફુટ) અને બે દરવાજા 0.30 મીટર (એક ફુટ) ખોલવામાં આવ્યા છે. જેમાંથી 13,557 ક્યુસેક પાણીનો પ્રવાહ વહી રહ્યો છે.

- Advertisement -

સમગ્ર જીલ્લામાં મનમૂકીને મેઘરાજા વરસી જઇ વ્હાલ વરસાવ્યું હોય તેમ ગત રાત્રીના આઠ વાગ્યા સુધીમાં સુત્રાપાડામાં 345 મીમી (14 ઈંચ), વેરાવળમાં 137 મીમી (6 ઈંચ), કોડીનારમાં 188 મીમી (8 ઈંચ), તાલાલામાં 106 મી.મી. (4 ઇચ), ગીરગઢડામાં 31 મી.મી. (દોઢ ઇચ) અને ઉનામાં ફકત 3 મી.મી. વરસાદ વરસ્યો હતો. આ બાદ રાત્રે પણ વરસાદ ચાલુ રહેતા સુત્રાપાડા 25, વેરાવળ 23, તાલાલા 12 ઇંચ વરસાદ ખાબકયો હતો. કોડીનારમાં 9 ઇંચ વરસાદ નોંધાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular