લોકોને પોતાના ઘરની બહાર નિકળે અને કચરો દેખાય તો તેનાથી તેઓ વહીવટી અણઆવડત ગણાવતા હોય છે. પરંતુ, જામનગર શહેરમાં વોર્ડ નં.3 માં પાયાના પથ્થર સમાન સફાઈ સૈનિકોની ટીમ કે જેઓ દરરોજ સફાઈ કામગીરીમાં મકકમ રહી સુદ્રઢ સફાઈ કામગીરી કરે છે અને વોર્ડ વિસ્તાર સંપૂર્ણ સ્વચ્છ રાખે છે.
છેલ્લાં એક માસમાં બિપરજોય વાવાઝોડું તેમજ ભારે વરસાદ પણ આવ્યો હતો. જેના કારણે વોર્ડમાં આવેલા મોટાભાગના વૃક્ષો પડી ગયેલ તેમજ ઈલેકટ્રીક ફીટીંગોને નુકસાન થયું છે. ચાલુ વરસાદે પણ પોતાની કામગીરી અવિરત ચાલુ રાખી વોર્ડમાં સફાઈ તેમજ અન્ય આનુસંગિક કામગીરીઓ કરી હતી. જેનાથી વોર્ડ નં.3 ના રહેવાસીઓ સુવિદિત જ છે. જેનાથી સ્થાન્કિ રહેવાસીઓમાં પોતાના વોર્ડમાં કામગીરી કરતા સફાઈ કામદારો, એસએસઆઈ તેમજ એસઆઈની છાપ ખૂબ જ સારી ઉભરી આવી છે. આવા તમામ સફાઈ કામદારો, એસએસઆઈ, એસઆઈ તેમજ વોર્ડમાં જરૂરિયાત મુજબ નવું ડેવલોપીંગ, મેઈન્ટેનન્સ તેમજ ઇમરજન્સી સેવાઓમાં કાર્યરત તમામ કર્મચારીઓનો એક સન્માન સમારોહ વોર્ડ નં.3 ના કોર્પોરેટર તેમજ સ્ટેન્ડીંગ કમિટીના પૂર્વ ચેરમેન સુભાષભાઈ જોષી દ્વારા ગત તા. 17 ના રોજ વિશ્ર્વકર્મા બાગમાં યોજવામાં આવ્યો હતો.
આ સન્માન સમારોહમાં જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી, રાજકોટથી અમભાઇ ભારદીયા (રવિ ઈન્ફોટેક), વિશ્ર્વકર્મા બાગના પ્રમુખ રમણિકભાઇ ગોરેચા, ટ્રસ્ટી દિલીપ મામા, દાણીધાર ધામના ટ્રસ્ટી શિવુભા ભટ્ટી, વોર્ડના કોર્પોરેટર પરાગભાઇ પટેલ, અલ્કાબા જાડેજા, પન્નાબેન કટારીયા તેમજ વોર્ડ નં.3 ભાજપા સંગઠન ટીમના હોદ્ેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. મંચસ્થ મહાનુભાવોનું સુભાષભાઈ જોષી, સિધ્ધાંત જોષી તેમજ હાજર અગ્રણીઓ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વગાત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટય કરી કરવામાં આવ્યા બાદ વોર્ડ નં.3 માં ફરજ બજાવતા તમામ સફાઈ કામદારોનું મંચસ્થ મહાનુભાવો દ્વારા સાલ આપી સન્માન કરવામાં આવ્યું હતું. વોર્ડમાં એસએસઆઈ તરીકે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ જાડેજા તથા ભરતભાઈ વાઘેલા, એસઆઈ રાજીવભાઈ દત્તાણી, પંકજભાઈ ગોહિલનું સન્માન કરવામાં આવ્યું હતું. વધુમાં આ ઝોનમાં વોર્ડમાં ફરજ બજાવતા ટેકનિકલ કર્મચારીઓ પૈકી સિવિલ વિભાગ ડે. એન્જીનિયર પાઠકભાઇ, એન્જીનિયર નિમેષભાઈ રાઠોડ, રઘુવીરસિંહ જાડેજા, કાદરીભાઈ, વિનોદભાઈ ચૌહાણ, ગીરીશભાઈ રાઠોડ, વિજયભાઈ લાઈટ શાખાના યુવરાજસિંહ જાડેજા, ફાયર શાખાના જયવીરસિંહ રાણાનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે સાલ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ સન્માન સમારોહનું વોર્ડ નં.3 માં આયોજન થયું હતું. જેનાથી વોર્ડ નં.3 માં ફરજ બજાવતા સફાઈ સૈનિકો તેમજ ટેકનિકલ કર્મચારીઓ ખૂબ જ પ્રભાવિત થયા હતાં અને ભવિષ્યે પણ પોતાની ફરજ કોઇપણ પરિસ્થિતિમાં બજાવશે તેવી આશા વ્યકત કરી હતી.