શિક્ષણ બોર્ડની પરીક્ષામાં નબળું પરિણામ લાવનારી સ્કૂલો સામે કડક પગલાંની તૈયારીઓ હોવાની વિગતો સામે આવી છે. સરકાર દ્વારા બોર્ડ પાસેથી નબળું પરિણામ ધરાવતી સ્કૂલોની વિગતો મંગાવવામાં આવી છે. આ વિગતો મોકલવામાં આવ્યા બાદ તેની સમીક્ષા કરવામાં આવશે અને સમીક્ષા બાદ કાર્યવાહી કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. જેમાં શૂન્ય પરિણામ ધરાવતી સ્કૂલોને તાળાં મારવામાં આવી શકે તેવી પ્રબળ શક્યતા સૂત્રોએ વ્યક્તિ કરી છે. ઉપરાંત 30 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી સ્કૂલો સામે પણ પગલાં લેવાઈ શકે છે. જોકે, આ મુદ્દે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી પરંતુ સમીક્ષા બાદ કાર્યવાહીની શક્યતા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે માર્ચ માસમાં ધોરણ-10 અને 12ની પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષામાં અનેક સ્કૂલો ખૂબ જ સારો દેખાવ કરતી હોય છે. જ્યારે અમુક સ્કૂલોનો દેખાવ ખૂબ જ ખરાબ હોય છે. જેથી સારો દેખાવ ન કરનારી સ્કૂલોનું પરિણામ સુધરે તે માટેના પ્રયાસો થયા હોય છે. જેમાં નજીકની સ્કૂલો આવી સ્કૂલોને દત્તક લઈ તેમનું પરિણામ સુધારવા માટે કાર્યવાહી કરતી હોય છે. આ ઉપરાંત અન્ય પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવતા હોય છે. શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ વર્ષે પણ માર્ચ માસમાં ધોરણ-10 અને 12ની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ જાહેર થયેલા પરિણામમાં અમુક સ્કૂલોનું પરિણામ 30 ટકા કરતા ઓછું આવ્યું હતું. જ્યારે અમુક સ્કૂલોમાં એક પણ વિદ્યાર્થી પાસ થયો ન હતો.
આમ, આ સ્કૂલોનું પરિણામ શૂન્ય આવ્યું હતું. જેથી હવે રાજ્યની શૂન્ય પરિણામ ધરાવતી સ્કૂલો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી શક્યતા ઊભી થઈ છે. આ સ્કૂલો સામે તવાઈ અંગેની તૈયારીઓ ચાલી રહી હોવાનું જાણવા મળે છે. સરકાર દ્વારા શિક્ષણ બોર્ડ પાસેથી નબળું પરિણામ લાવનારી સ્કૂલોની વિગતો મંગાવવામાં આવી છે. જેમાં 30 ટકા કરતા ઓછું પરિણામ લાવનારી સ્કૂલો અને શૂન્ય પરિણામ લાવનારી સ્કૂલોની વિગતો મંગાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. જેમાં આ વખતે જે પણ ખાનગી સ્કૂલોના એક પણ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં પાસ થયા નહીં હોય તેવી સ્કૂલોને તાળા મારવાની તૈયારીઓ કરવામાં આવી છે. આવી ખાનગી સ્કૂલો બંધ કરવામાં આવી શકે તેમ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.આ ઉપરાંત ગ્રાન્ટેડ સ્કૂલોમાં તો પરિણામ આધારિતી ગ્રાન્ટ નીતિ અમલમાં જ છે. આવી ગ્રાન્ટેડ સ્કૂલોમાં જો શૂન્ય પરિણામ આવ્યું હશે તો તેમની ગ્રાન્ટ કાપવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે સરકારી સ્કૂલોનું પરિણામ શૂન્ય ટકા આવ્યું હશે તો આવી સરકારી સ્કૂલોના શિક્ષકો પર પગલાં લેવામાં આવશે. સરકાર સમક્ષ બોર્ડ દ્વારા નબળા પરિણામ ધરાવતી સ્કૂલોની વિગતો મોકલવામાં આવ્યા બાદ તેની સમીક્ષા કરવામાં આવશે. સમીક્ષા કરવામાં આવ્યા બાદ આવી સ્કૂલો સામે કાર્યવાહીની જાહેરાત કરાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આ વખતે બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવામાં આવેલી ધોરણ-10ની પરીક્ષાના પરિણામમાં 157 સ્કૂલોનું પરિણામ શૂન્ય ટકા આવ્યું હતું. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 27 અને સાયન્સમાં 49 સ્કૂલોનું પરિણામ શૂન્ય ટકા આવ્યું હતું. આમ, કુલ 233 સ્કૂલોનું પરિણામ શૂન્ય ટકા આવ્યું છે. જોકે, આ સ્કૂલો પૈકી મોટા ભાગની સ્કૂલો સરકારી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હાલમાં આ અંગે કોઈ નિર્ણય કરાયો નથી, પરંતુ આગામી દિવસોમાં આ અંગે કાર્યવાહીના એંધાણ વર્તાઈ રહ્યા છે.