રાજયમાં મહાનગરો સહિતના શહેરો તથા હાઈવે સહિતના માર્ગો પર રખડતા ઢોરોની સમસ્યા અંગે વધુ એક વખત સરકારનો કાન પકડતા ગુજરાત હાઈકોર્ટે ફરી એક વખત માર્ગો પરથી રખડતા ઢોરોને દૂર કરવા તથા ઢોર માલિકો સામે પોલીસ ફરિયાદ કરવા આદેશ આપ્યો છે.
રાજયમાં ગત વર્ષે ચુંટણી પુર્વે રખડતા ઢોર મુદે હાઈકોર્ટે સરકાર પર આકરી તડાપીટ બોલાવ્યા બાદ રાજય સરકારે ઢોર નિયંત્રણ કાનુન મોટા ઉપાડે બનાવ્યો અને આકરી જોગવાઈ કરી પણ માલધારી સમાજમાંથી વિલંબ થતા અને મતો પર જોખમ સર્જાતા જ વિધાનસભાએ મંજુર કાનુન અભેરાઈએ ચડાવી દીધો હતો તથા રાહદારીઓથી લઈને વાહનચાલકોને ઢોરની હડફેટે ચઢવા અને મરવા દીધા હતા ફરી એક વખત અમદાવાદ સહિતના મહાનગરોના માર્ગો પર રખડતા ઢોરોની સમસ્યા સર્જાતા ફરી એક વખત હાઈકોર્ટે તેનું જાતે જ સંજ્ઞાન લઈને અગાઉ રાજયમાં પાલતુ દુધાળા જાનવરના રજીસ્ટ્રેશન ફરજીયાત બનાવવા અને તેના રખરખાવ વિ. માટે જે અગાઉ 23 માર્ગરેખા આપી હતી તેનો અમલ કરવા આદેશ આપ્યો હતો.
આ વાત છેક 2005થી ચાલતી આવે છે. હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એ.એસ.સુમૈયાની ખંડપીઠે ખૂબજ આકરા શબ્દોમાં કહ્યું કે, નાગરિકોની સલામતીની સૌથી મોટી આવશ્યકતા કયારે સરકાર સમજશે. ઢોરની હડફેટે ચડી જવાથી જે લોકો જીવન ગુમાવે છે તેની ગંભીરતા કેમ સમજતી નથી ત્યારે એવા પગલા લેવા જોઈએ કે લોકો ખુદને માર્ગ પર સલામત સમજે.
હાઈકોર્ટે એ પ્રશ્ર્ન પૂછયો કે શું ગાય કે અન્ય ઢોરની હડફેટે કોઈ મૃત્યુ પામે તેમ તમે ઈચ્છો છો? હાઈકોર્ટે કહ્યું કે, અમો કહીએ એટલે એક વખત બધું પણ થોડો સમયમાં ફરી ઝુંબેશ ઠંડી પડી જશે. હાઈકોર્ટે ફરી એક વખત રખડતા ઢોર મુદે નીતિ ઘડવા આદેશ આપ્યો હતો.
2017-18માં હાઈકોર્ટે આ અંગે જે આદેશ આપ્યા હતા તેનું પાલન નહી થતા તેમાં કોર્ટે તિરસ્કારની એક અરજી પર હાઈકોર્ટે વિચારણા કરી હતી. હાઈકોર્ટે એ પણ નોંધ્યું કે જે રીતે ઢોર નિયંત્રણ ખરડો પાછો ખેચી લેવાયો તે દર્શાવે છે કે રાજય સરકારને કોઈ નિતિ ઘડવામાં રસ ધરાવતી નથી.
અમદાવાદ મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટી ઢોરની સમસ્યા ઉકેલવા માટે જે પોલીસી હતી તેને ફગાવી દીધી તેની નોંધ લેતા હાઈકોર્ટે ચીમકી આપી કે અમો સ્ટેન્ડીંગ કમીટીના તમામ સભ્યો અને અધિકારીઓને કોર્ટમાં હાજર થવા કહી શકીએ છીએ. તેઓએ અહી આવીને જવાબ રજુ કરવો પડશે. ઉપરાંત હાઈકોર્ટે એ પણ કહ્યું કે રખડતા ઢોરના કારણે અકસ્માત સર્જાય તો શા માટે અધિકારીને જવાબદાર ગણાવવા નહી? તમારે અધિકારીઓની જવાબદારી નિશ્ર્ચિત કરવી પડશે.
હાઈકોર્ટે એ પણ નોંધ્યું કે, જયારે અમો કહીએ છીએ તો તમો એકશનમાં આવો છો પછી બધું ફરી ઠંડુ પડી જાય છે. લાગે છે કે રાજય સરકાર કે મહાપાલિકા આ સમસ્યા ઉકેલવામાં ગંભીર જણાતી નથી. સરકારે અગાઉ અનેક ખાતરી આપી હતી પણ કંઈ થયું નથી. હવે તા.18ના રોજ રાજય સરકારને આ અંગે જવાબ આપવા જણાવ્યું છે.