જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે ટ્રકચાલકે બાઈકને હડફેટે લેતા બાઈકચાલક સહિત બે ના કરૂણ મોત નિપજ્યાં હતાં. આ અંગે પોલીસે ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, ગત તા. 08 જુલાઈના રોજ પિયુષભાઈ જમનભાઈ મુંગરા નામના યુવાન પોતાના બાઇકમાં પ્રિન્સ ડાંગરીયાને લઇ લાલપુર બાયપાસ પાસેથી પસાર થઈ રહ્યા હતાં આ દરમિયાન પૂરપાટ વેગે આવી રહેલા જીજે-10-ટીએકસ-3619 નંબરના ટ્રકના ચાલકે બાઈકને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈકચાલક પિયુષભાઈનું ગંભીર ઈજાને પરિણામે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે બાઈકમાં પાછળ બેસેલા પ્રિન્સ ડાંગરીયાને ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું પણ મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માતમાં એક સાથે બંનેના મૃત્યુને લઇ શોકનું મોજું ફરી વળ્યું હતું.
આ અકસ્માતના બનાવને લઇ લોકોના ટોળાં એકત્ર થઈ ગયા હતાં. ટ્રકચાલક અકસ્માત સર્જયા બાદ ટ્રક છોડીને નાશી છૂટયો હતો. આ અંગે મૃતકના નાના ભાઈ ભાવિન મુંગરા દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ જી. જી. હોસ્પિટલે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ટ્રકચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.