દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજાનો મુકામ રહ્યો છે. શનિવારે દ્વારકા પંથકમાં બે ઈંચ વરસાદ બાદ ગઈકાલે રવિવારે ખંભાળિયા તાલુકામાં મેઘરાજાએ મુકામ રાખ્યો હતો અને ધોધમાર પાંચ ઈંચથી વધુ વરસાદ વરસાવી દેતા નદીનાળા છલકાઈ ગયા છે અને ખંભાળિયા શહેરને પાણી પૂરું પાડતા ઘી ડેમમાં નોંધપાત્ર નવા નીરની આવક થવા પામી છે. જામનગર જિલ્લાની વાત કરીએ તો આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન લાલપુર તાલુકામાં 42 મિ.મી. કાલાવડ તાલુકામાં 39 મિ.મી. જામજોધપુરમાં 32 મિ.મી. જામનગરમાં 33 મિ.મી., જોડિયામાં 15 મિ.મી. તથા ધ્રોલમાં 10 મિ.મી. વરસાદ નોંધાયો હતો. ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતાં.
ખંભાળિયા તાલુકામાં રવિવારે સવારથી મેઘાવી માહોલ સવારે બાદ બપોરે આશરે બારેક વાગ્યે ધીમીધારે શરૂ થયેલો વરસાદ બપોરે ચારેક વાગ્યા સુધી તેજ ગતિથી વરસ્યો હતો. અને સાંજે છ વાગ્યા સુધીમાં કુલ 128 મિલીમીટર પાણી વરસાવી દીધું હતું. મુશળધાર વરસાદના પગલે તમામ માર્ગો પર પૂર જેવા પાણી વહ્યા હતા. ખાસ કરીને જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં નદીઓ બે કાંઠે વહેવા લાગતા તેની સીધી અસર સ્થાનિક જનજીવન પર થવા પામી હતી.
ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સાર્વત્રિક 4 થી 6 ઈંચ જેટલો વરસાદ વરસી જતા મોટાભાગના જળ સ્ત્રોતો તરબતર થઈ ગયા છે. જેના પગલે ખંભાળિયા શહેરને પાણી પૂરું પાડતા ઘી ડેમમાં રવિવારે ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે રાત્રે સુધીમાં પાંચેક ફૂટ જેટલું નવું પાણી આવતા ડેમની સપાટી સાડા અગિયાર ફૂટ ઉપર પહોંચી છે. હાલ ખંભાળિયા શહેર માટે પીવાના પાણીનો પ્રશ્ર્ન મહદ અંશે હલ થઈ ગયો છે.
રવિવારે સાંજથી મેઘરાજાએ વિરામ લીધો હતો. જો કે વરસાદી માહોલ બરકરાર રહ્યો હતો. ભારે વરસાદ છતાં પણ ખાસ કોઈ નુકસાની થયાના વાવડ નથી. આજે સવારથી વાતાવરણમાં ઉઘાડ વચ્ચે સૂર્યનારાયણના દર્શન થતાં લોકોએ રાહત અનુભવી હતી.
આ સાથે જિલ્લાભરમાં ગઈકાલે સાંજથી મેઘ વિરામ રહ્યો હતો. આ સાથે આજરોજ સવારે આઠ વાગ્યા સુધીમાં ભાણવડ તાલુકામાં વધુ 56 મિલીમીટર, કલ્યાણપુરમાં 15 અને દ્વારકા તાલુકામાં 12 મી.મી. વરસાદ નોંધાયો છે. આ સહિત મોસમનો કુલ વરસાદ ખંભાળિયા તાલુકામાં 701 મી.મી., દ્વારકા તાલુકામાં 401 મી.મી., કલ્યાણપુર તાલુકામાં 358 મી.મી. અને ભાણવડ તાલુકામાં 341 મી.મી. વરસી ગયો છે.
શુક્રવારે તથા શનિવારે જામનગર શહેરમાં 4-4 ઈંચ જેટલો વરસાદ વરસ્યા બાદ ગઈકાલે રવિવારે સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા જોવા મળ્યા હતાં. દિવસ દરમિયાન જોવા મળેલા વરસાદી ઝાપટાથી માર્ગો પર પાણી પાણી થઈ ગયા હતાં. ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન કાલાવડ તાલુકામાં 39 મિ.મી., લાલપુર તાલુકામાં 42 મિ.મી., જામજોધપુરમાં 32 મિ.મી. જામનગરમાં 33 મિ.મી., જોડિયામાં 15 મિ.મી. તથા ધ્રોલમાં 10 મિ.મી. વરસાદ નોંધાયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની સવારી અવિરત રહી હતી.
જામજોધપુર તાલુકાના વાંસજાળિયામાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જામજોધપુરના સમાણા તથા શેઠવડાળામાં એક એક ઈંચ અને જામવાડી, ધ્રાફા તથા પરડવામાં સવા-સવા ઈંચ પાણી વરસ્યું હતું. ધૂનડામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. લાલપુર તાલુકાના મોડપરમાં અઢી ઈંચ, હરિપરમાં એક ઈંચ, ભણગોરમાં એક ઈંચ, પડાણામાં સવા ઈંચ, મોટા ખડબામાં અડધો ઈંચ, પીપરટોડામાં પાંચ મિ.મી. વરસાદ નોંધાયો હતો. કાલાવડ તાલુકાના નિકાવામાં 37 મિ.મી., ખરેડીમાં 15 મિ.મીે., મોટા વડાળામાં 22 મિ.મીે., ભ.ભેરાજામાં 25 મિ.મીે., નવાગામમાં 30 મિ.મીે., મોટા પાંચદેવડામાં 24 મિ.મીે., ધ્રોલ તાલુકાના લતીપર અને જાલિયાદેવાણીમાં સામાન્ય વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતાં. જોડિયા તાલુકાના હડિયાણામાં 08 મિ.મીે., બાલંભામાં 15 મિ.મીે. વરસાદ નોંધાયો હતો.
જામનગર તાલુકાના વસઈમાં 14 મિ.મીે., લાખાબાવળમાં 15 મિ.મીે., મોટી બાણુંગારમાં 42 મિ.મીે., ફલ્લામાં 16 મિ.મીે., જામવણથલીમાં 12 મિ.મીે., મોટી ભલસાણમાં 09 મિ.મીે., અલિયાબાડામાં 10 તથા દરેડમાં 05 મિ.મીે. વરસાદ નોંધાયો હતો. આજે સવારથી મેઘરાજાના વિરામ વચ્ચે સૂર્યનારાયણના દર્શન થયા હતાં.