જામનગર શહેર અને જિલ્લામાં ગઇકાલથી વરસી રહેલાં વરસાદને કારણે જિલ્લાના જળાશયોની સપાટીમાં પણ ધીમો પરંતુ નિરંતર વધારો થઇ રહ્યો છે. જામનગર જિલ્લાના કુલ રપ જળાશયો પૈકી 6 જળાશયો છલકાઇ રહયા છે. જેમાં જામનગરના રણજીતસાગરનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ફુલઝર-1, સપડા, વોડીસાંગ, સસોઇ-ર અને વાગડીયા ડેમ પણ તેની પૂર્ણ સપાટીએથી છલકાઇ રહયા છે. કંકાવટી, ઉંડ-ર અને ઉમિયાસાગર ડેમના એક-એક દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે જેથી જળાશયમાં પાણીનું લેવલ જળવાઇ રહે. જામનગર સિંચાઇ વિભાગના જણાવ્યા અનુસાર તમામ રપ જળાશયોમાં હાલ 6706 એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે. જામનગર શહેરને પાણી પુરૂં પાડતા જળાશયો પૈકી સસોઇમાં પણ ગઇકાલે 2 ફુટથી વધુ પાણીની આવક થવા પામી હતી. સસોઇમાં હાલ 443 એમસીએફટી પાણી સંગ્રહ થયું છે. જયારે જિલ્લાના સૌથી મોટા એવા ઉંડ-1માં 1796ને એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે. જયારે ડેમની સપાટી 22.38 ફુટે પહોંચી છે. હાલ આ ડેમમાં 303 કયુસેક પાણીની આવક થઇ હોવાનું જણાવવામાં આવ્યું છે.