કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોટો આંચકો લાગ્યો છે. ગુજરાત હાઇકોર્ટે મોદી સરનેમ મામલે સુરત કોર્ટ દ્વારા ફટકારાયેલી સજા મામલે રાહુલ ગાંધી દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યૂ પિટિશન ફગાવી દેવામાં આવી છે. રાહુલ ગાંધીની બે વર્ષની સજા યથાવત રખાઇ છે. જેથી રાહુલ ગાંધીને સંસદપદ પાછુ મળવાની આશા પર પાણી ફરી વળ્યું છે.જ્યારે રાહુલ ગાંધીની લીગલ ટીમના વકીલ બાબુ માંગુકિયાએ જણાવ્યું હતું કે, ચુકાદો ખૂબ મહત્વનો છે. રાહુલ ગાંધીની સજા પરનો સ્ટેની માગ કરી છે. હાઇકોર્ટે સજા પર સ્ટે યથાવત રાખતા અમે સુપ્રીમ કોર્ટ જઈશું, રાહુલ ગાંધીએ મોદી વિશે વાત કરી હતી, કોઈ સમાજ વિશે નહીં.
સુરત કોર્ટે 2019માં મોદી અટક અંગે રાહુલ ગાંધીની ટિપ્પણીના કેસમાં 23 માર્ચે ચુકાદો આપ્યો હતો. કોર્ટે તેને કલમ 504 હેઠળ બે વર્ષની જેલની સજા ફટકારી છે. જો કે કોર્ટે નિર્ણયને અમલમાં મૂકવા માટે થોડા દિવસનો સમય પણ આપ્યો હતો. આ સાથે તેમને તાત્કાલિક જામીન પણ આપવામાં આવ્યા હતા. સુરતની કોર્ટે મોદી અટક સંબંધિત ટિપ્પણીને લગતા માનહાનિના કેસમાં તેમની સજા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ રાહુલે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા ફટકારતા લોકસભા સચિવાલય દ્વારા જનપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ રાહુલનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. રાહુલ કેરળના વાયનાડથી સાંસદ હતા. લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં જોગવાઈ છે કે જો કોઈ સાંસદ અને ધારાસભ્યને કોઈ કેસમાં બે વર્ષ કે તેથી વધુની સજા થાય તો તેમનું સભ્યપદ રદ કરવામાં આવે છે. આ સાથે જ સજાનો સમયગાળો પૂરો કર્યા બાદ તેઓ છ વર્ષ સુધી ચૂંટણી લડવા માટે પણ અયોગ્ય બની જાય છે. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ’બધા ચોરોની અટક મોદી કેવી રીતે છે?’ રાહુલના નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ કલમ 499, 500 હેઠળ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમની ફરિયાદમાં, બીજેપી ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો કે 2019 માં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે, રાહુલે કથિત રીતે એમ કહીને સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો હતો કે બધા ચોરોની અટક મોદી કેમ છે? હાઇકોર્ટમાં ચૂકાદા દરમ્યાન ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શકિતસિંહ ગોહિલ, કોંગ્રેસ નેતા સિધ્ધાર્થ પટેલ, અમિત ચાવડા, શૈલેષ પરમાર વગેરે ઉપસ્થિત રહયા હતા.