કર્નલ એચ.કે.સિંહ, ગૃપ કમાન્ડર, એનસીસી ગૃપ હેડક્વાટર, જામનગરએ તાજેતરમાં એનસીસી કોયના એડમ ઇન્સ્પેક્શન માટે સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગરની મુલાકાત લીધી હતી.
તેમના આગમન પર, મુખ્ય મહેમાનનું પ્રિન્સિપાલ, કર્નલ શ્રેયશ મહેતા અને લેફ્ટનન્ટ કર્નલ હરજોત કૌર, વાઈસ પ્રિન્સિપાલ અને ઓસી એનસીસી કોય તેમજ સ્ક્વોડ્રન લીડર મહેશ કુમાર, વહીવટી અધિકારી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે શહીદોના યુદ્ધ સ્મારક-શૌર્ય સ્તંભ પર પુષ્પાંજલિ અર્પણ કરી. ત્યારપછી મુખ્ય મહેમાન ને કેડેટ અનન્યા દ્વારા શાળા અને તેની આસપાસના વિસ્તાર વિશે સેન્ડમોડલ પર માહિતી આપવામાં આવી હતી જેની મુખ્ય મહેમાન દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
શાળાના ઓડિટોરિયમમાં કેડેટ્સ અને સ્ટાફને સંબોધિત કરતી વખતે મુખ્ય મહેમાને એ હકીકત પર ભાર મૂક્યો હતો કે પહેલા કેડેટ સારો માણસ હોવો જોઈએ. તેમણે કેડેટ્સને શરમાળ ન થવાની સલાહ આપી હતી અને સૈનિક સ્કૂલમાં દરેક ક્ષણનો આનંદ માણવો જોઈએ અને તેમના સપના સાકાર કરવા માટે ઉપલબ્ધ સુવિધાઓનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે નૈતિક મૂલ્યો પર ભાર મૂક્યો અને કહ્યું કે માત્ર સખત મહેનત, પ્રામાણિકતા અને સત્યતા જ વ્યક્તિને જીવનમાં આગળ લઈ જશે. તેમણે શાળાના એનસીસી સ્ટાફ સાથે પણ વાતચીત કરી હતી.