જામનગર શહેર અને જિલ્લામાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયા બાદ છેલ્લાં 24 કલાક દરમિયાન જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં ધોધમાર ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે ધ્રોલમાં વધુ બે ઈંચ અને જોડિયામાં એક ઈંચ પાણી પડયું હતું. ગ્રામ્ય વિસ્તારમાં જામવણથલી અને લતીપરમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.
હાલારમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયા બાદ મેઘમહેર અવિરત રહી છે. અને છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર જિલ્લામાં સામાન્ય ઝાપટાંથી ચાર ઈંચ જેટલું પાણી આકાશમાંથી વરસી ગયું છે. આજે સવારે છ વાગ્યા સુધીના આંકડા મુજબ જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે ધ્રોલ ગામમાં ગઈકાલે સાંજે 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધીમાં બે ઈંચ પાણી પડયું હતું. તેમજ જોડિયામાં એક ઈંચ વરસાદ વરસી ગયો હતો અને જામનગર શહેરમાં માત્ર સામાન્ય ઝાપટું પડયું હતું.
જામનગર તાલુકામાં જામવણથલી ગામમાં ધીમી ધારે બે ઈંચ પાણી વરસ્યું છે તથા મોટી બાણુંગાર અને ફલ્લામાં સવા-સવા ઇંચ વરસાદ પડયો હતો તથા અલિયાબાડામાં અડધો ઈંચ વરસાદ ઝાપટાંરૂપે વરસ્યો હતો. ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં દોઢ ઈંચ અને લૈયારામાં અડધો ઈંચ પાણી પડયું હતું તથા જોડિયા તાલુકાના પીઠડમાં અડધો ઈંચ અને બાલંભામાં જોરદાર ઝાપટું વરસ્યું હતું. કાલાવડ તાલુકાના નવાગામ અને મોટા પાંચદેવડામાં અડધો – અડધો ઈંચ તથા જામજોધપુરના શેઠવડાળા, ધુનડામાં જોરદાર ઝાપટા વરસ્યા હતાં.