બિપરજોય ચક્રવાતની અસર દેખાવા લાગી છે ત્યારે દ્વારકા સ્થિત દૂરદર્શનનાં હાઇપાવર ટ્રાન્સમીટર ટાવર ક્ષતિગ્રસ્ત થયો હતો. નેવું મીટર ઉંચો આ ટાવર વાવાઝોડાંને કારણે ધરાશાયી થાય તો ભારે તારાજી સર્જાવાની શક્યતા હતી. આથી, જીલ્લા વહીવટી તંત્રે મામલતદાર મારફત આ ક્ષતિગ્રસ્ત ટાવરને તાત્કાલિક ઉતારી લેવા વિનંતી કરી હતી.
આકાશવાણી-રાજકોટના ઉપમહાનિર્દેશક રમેશચંદ્રે તાત્કાલિક દિલ્હી સ્થિત ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરીને આ ટાવરને તોડી પાડવા મંજૂરી માંગી હતી. પ્રસારભારતીના સીઇઓ ગૌરવ દ્વિવેદીએ તત્કાળ મંજૂરી આપતાં રમેશચંદ્ર ઉપરાંત ઉપ નિર્દેશક પ્રવીણ ભંખોડિયા, સહાયક ઇજનેર દિવાકર ચોરસિયા સહિતની ટીમ દ્વારકા પહોંચી હતી અને ટાવરને તોડવાની કામગીરી શરૂ કરાવી હતી.
દ્વારકાના દરિયા કિનારે પ્રતિકૂળ પરિસ્થિતિની વચ્ચે ટાવરને તોડી પાડવાની કાર્યવાહી સુપેરે પૂર્ણ કરી દેવામાં આવી છે. આમ, બીપરજોય ચક્રવાતની અસરથી નેવું મીટરના વિશાળકાય ટાવરને ધરાશાયી થવા દેવાને બદલે સમયસર તોડી પાડીને પ્રસારભારતીએ દુર્ઘટના નિવારી છે.