ભારતીય હવામાન વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડા બીપરજોય અંગે આગાહી કરવામાં આવી છે. આ સંભવિત વાવાઝોડા સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર અશોક શર્માએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે હવામાન વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડા બીપોરજોય અંગે આગાહી કરવામાં આવી છે. જેના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ ઉપાયના જરૂરી પગલાઓ લેવામાં આવ્યા છે. જિલ્લા કક્ષાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ તેમજ તાલુકાઓમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.દરિયા કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોનું જરૂરિયાતના સમયે સ્થળાંતર કરવા માટે શેલ્ટર હોમની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. આ ઉપરાંત તાલુકા વાઈઝ લાયઝન ઓફિસરની નિમણુક કરવામાં આવી છે. રેસ્ક્યુ વ્યવસ્થા, સહિતની કામગીરી સોંપી દેવામાં આવી છે.