જામનગરમાં સરકારી વસાહત અને જજના આવાસ પાછળની જગ્યામાં તંત્રના નાક નીચે ન્યુસન્સ પેસારો કરી રહ્યું છે છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.
જજના બંગલાની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં પ્રદર્શન મેદાનમાંથી હાંકી કાઢવામાં આવેલા આવારા તત્વોએ પેસારો શરૂ કર્યો છે. આ સરકારી જગ્યા જાણે કે નધણીયાતી હોય તેમ ધીમે ધીમે અહીં પણ ઝુંપડા ઉગવા લાગ્યા છે. આ ઝુંપડાઓ સાથે અસામાજિક પ્રવૃત્તિઓ પણ પ્રવેશી રહી હોય બાજુમાં જ આવેલી સરકારી વસાહતમાં રહેતા લોકો પર ખતરો ઉભો થયો છે. માત્ર ગેરકાયદે ઝુંપડા જ નહીં કચરો અને કેરણ પણ અહીં ઠાલવવામાં આવતું હોવાને કારણે જગ્યા ધીમે ધીમે ઉકરડામાં ફેરવાવા લાગી છે. આ બધુ તંત્રના નાક નીચે થઈ રહ્યું છે નાક નીચે એટલા માટે કે બાજુની સરકારી વસાહતમાં મહેસુલ વિભાગમાં કામ કરતા અનેક અધિકારી-કર્મચારીઓ રહેતા હશે. છતાં તેઓ મૌન ધારણ કરી બેઠા છે. આવી જ રીતે મીગ કોલોની સામે લાલ બંગલા તરફ જતાં રસ્તાની જમીનમાં પણ અસંખ્ય ઝુંપડા ખડકાય ગયા છે. અહીં તળાવની પાળને સાત રસ્તા સાથે જોડતો રસ્તો બનાવવાનું આયોજન છે. પરંતુ આયોજન સાકાર થાય તે પહેલાં દબાણ આકાર પામી ગયા છે. આ બધુ વહીવટીતંત્રની લાપરવાહીને કારણે જ થઈ રહ્યું છે. જ્યારે પાણી નાક ઉપર જશે ત્યારે તંત્ર બુલડોઝર લઇને આવી જશે અને ત્યારે મોટી દબાણ હટાવની કાર્યવાહી કરી હોય તેવો દેખાડો કરશે. બહેતર છે કે પાણી પહેલાં જ પાળ બાંધવામાં આવે. અર્થાત ન્યુસન્સને ઉગતું જ ડામી દેવામાં આવે તેમાં જ સમજદારી છે તેવું આ તંત્રને કયારે સમજાશે…?