જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા પંથમાંથી ગેઇલ કંપનીની એલપીજી ની પાઇપ લાઇન પસાર થાય છે, તેના પરથી લીઝ ધારક દ્વારા ગેરકાયદે રીતે રેતી ભરેલા ડમ્પરો પસાર કરવામાં આવતા હોવાથી જોડિયા પોલીસે તાત્કાલિક અસરથી વાહન વ્યવહાર બંધ કરાવી દઈ લીઝ ધારકની લીઝને રોકાવી દીધી છે, ઉપરાંત આ મામલે ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવતાં તેઓનો પ્રત્યુતર નહીં મળવાથી આખરે 175 મુજબની નોટિસ પાઠવી છે જોકે તેનો પણ પ્રત્યુતર મળ્યો નથી, અને આ મામલે ગજ ગ્રાહ ચાલી રહ્યો છે.
આ પ્રકરણની વિગતો એવી છે કે જામનગરના ખાણ ખનીજ વિભાગ દ્વારા જોડિયા તાલુકાના ભાદરા વિસ્તારમાં ઉંડ નદી પાસે કારાભાઈ ભરવાડ નામના એક લીઝધારકની લીઝને મંજુર કરવામાં આવી છે. જે લીઝ વાળી જગ્યા પર અવર-જવર કરવા માટેનો એકમાત્ર રસ્તો છે, જે રસ્તાની નીચેથી મોટી ખાવડી થી ગેલ કંપનીની એલપીજી ની લાઈન પસાર થાય છે.
જે પાઇપલાઇન ઉપરથી કોઈ પણ પ્રકાર ના વાહનો અવર-જવર નહીં કરવા માટેની ગેઇલ કંપની દ્વારા નોટિસ પાઠવી દેવામાં આવી છે, અને ત્યાં જાહેરમાં બોર્ડ લગાવાયા છે, તેમ છતાં પણ લીઝ ધારકો દ્વારા આ રોડ પરથી ટન બંધ રેતી ભરેલા ભારે વાહનો પસાર કરાવતા હોવાથી જીવનું જોખમ તોડાયેલું રહેતું હોવાના કારણે જોડિયા ના પી.એસ.આઇ. કવિરાજસિંહ ગોહિલ દ્વારા લીઝ ધારક ને ત્યાંથી વાહન પસાર કરવા માટેનો પ્રતિબંધ ફરમાવી દીધો છે. એટલું જ માત્ર નહીં છેલ્લા દોઢ માસથી લીઝ ધારક ને કોઈપણ પ્રકારના વાહનોમાં ત્યાંથી રેતી વગેરે લઈને નીકળવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.
લીઝધારક દ્વારા પોતાને ખાણ ખનીજ વિભાગ દ્વારા માટી કાઢવા માટેની મંજૂરી મળી છે, તેવું જણાવતાં જોડિયા પોલીસે ખાણ ખનીજ વિભાગને પત્ર પાઠવ્યો હતો, અને આ સ્થળેથી હેવી વાહન પસાર ન થાય તેવી રજૂઆત કરી હતી.
પરંતુ ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ પ્રત્યુતર નહીં આપતાં આખરે જોડીયા પોલીસ દ્વારા ફરીથી 175 મુજબ ખાણ ખનીજ વિભાગને નોટિસ પાઠવી છે. જોકે તેનો પણ હજુ કોઈ પ્રત્યુતર નથી અપાયો, અને આ મામલે ગજગ્રાહ ચાલી રહ્યો છે. જોકે જોડિયા પોલીસે સતર્કતા દાખવી ને ગેલ કંપનીની પાઇપલાઇન વાળા રસ્તા પરથી કોઈ પણ પ્રકારના હેવી વાહનો પસાર થવા માટે પ્રતિબંધ ફરમાવી તમામ પ્રકારનું માટી કાઢવા વગેરેનું કામ પણ અટકાવી દેવાયું છે. ગેઈલ કંપની દ્વારા પણ આ બાબતે વિભાગ તેમજ જોડીયા પોલીસ સાથે પત્ર વ્યવહાર કરીને આ રસ્તો સલામત રાખવા માટેની રજૂઆત કરી છે.