રાજયમાં નવા જંત્રીના દરો શનિવારથી અમલમાં આવવાના હોવાથી છેલ્લા દિવસો સુધી દસ્તાવેજ નોંધણી માટે સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભારે ઘસારો જોવા મળ્યો હતો. 29 માર્ચથી લઈને 14 એપ્રિલ સુધીમાં 4 દિવસની રજાને બાદ કરતાં 113 દિવસ સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની નોંધણી થઈ હતી. આ 13 દિવસ દરમ્યાન રાજયમાં રૂા.25500 કરોડની કિંમતની મીલકતનાં કુલ 1.55 લાખ દસ્તાવેજ નોંધાયા છે. આ દસ્તાવેજ નોંધણી થકી રાજય સરકારને પણ સ્ટેમ્પ ડયુટીની રૂા.1250 કરોડની આવક થઈ છે.
આમ, માર્ચનાં અંતથી રાજયમાં દસ્તાવેજ નોંધણી માટે ભારે ઘસારો શરૂ થયો હતો. જે એપ્રિલમાં પણ ચાલુ રહેવા પામ્યો હતો. રાજય સરકાર દ્વારા જંત્રીના દર બમણા કરી નાંખતા લોકોમાં દસ્તાવેજ નોંધણી માટે ભારે ઘસારો જોવા મળ્યો હતો. સરકાર દ્વારા જંત્રીના નવા ભાવો 15 એપ્રિલથી અમલમાં આવશે તેવી જાહેરાત કરાયા બાદ લોકોમાં દસ્તાવેજ નોંધણી માટે ભારે ઘસારો શરૂ થયો હતો.રાજયમાં 29 માર્ચથી લઈને 14 એપ્રિલ સુધી કુલ 13 દિવસ માટે સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલૂ રહી હતી. આ 13 દિવસ દરમ્યાન રાજયમાં કુલ 155691 દસ્તાવેજોની નોંધણી થઈ હતી. જેમાં સૌથી વધુ દસ્તાવેજ 13 એપ્રિલના રોજ 13482 નોંધાયા હતા.
જયારે સૌથી ઓછા દસ્તાવેજ 4 એપ્રિલનાં રોજ 8746 નોંધાયા હતા.આ 13 દિવસ દરમ્યાન સ્ટેમ્પ ડયુટી પેટે સરકારને રૂા.125 કરોડની આવક થયાનો અંદાજ છે. 1 થી 13 એપ્રિલ સુધીમાં રૂા.1100 કરોડની આવક થઈ છે. 29 અને 31 માર્ચના એમ બે દિવસમાં રૂા.150 કરોડની આવક થઈ છે.આ બન્ને દિવસમાં પણ 24 હજાર કરતાં વધુ દસ્તાવેજ નોંધાયા હતા. આમ, રાજયમાં 4.9 ટકા પ્રમાણે લેવામાં આવતી સ્ટેમ્પ ડયુટીની આવક જોતાં આ 13 દિવસના ટુંકા ગાળામાં જ રૂા.25500 કરોડની કિંમતની મીલકતનાં દસ્તાવેજોની નોંધણી થઈ છે.જોકે, આ આંકડો તો જંત્રી પ્રમાણે છે. ખરેખર મિલકતોની કિંમત આ આંકડા કરતા ખુબ જ વધુ હોઈ શકે છે.
રાજયમાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયામાં રોજના સરેરાશ 6 હજાર આસપાસ દસ્તાવેજ નોંધાતા હોય છે. જોકે, જંત્રીના ભાવોમાં વધારાનો અમલ 15 એપ્રિલથી શરૂ થવાનો હતો. જેના પગલે લોકો જુની જંત્રીમાં જ દસ્તાવેજ નોંધણી કરાવી લે તે માટે દોડાદોડી કરતા હતા અને તેના લીધે જ હાલમાં રોજનાં સરેરાશ કરતાં બમણા દસ્તાવેજોની નોંધણી થઈ રહી છે. ઘણા કિસ્સામાં તો બમણા કરતા વધુ દસ્તાવેજ રોજેરોજ નોંધાઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે.આમ, રોજના સરેરાશ 6 હજાર દસ્તાવેજની સરખામણીમાં હાલમાં રોજના 12 હજારથી 13 હજાર દસ્તાવેજ નોંધાઈ રહ્યા છે. 2022 માં રાજયમાં દર મહિને સરેરાશ 1.33 લાખ દસ્તાવેજ નોંધાયા હોવાનું સામે આવ્યુ છે.
જયારે તેની સામે 13 દિવસના ટુંકા ગાળામાં જ 1.55 દસ્તાવેજો નોંધાયા છે.ગજે 2022 ની માસીક સરેરાશ કરતાં 23 હજાર વધુ છે. 2022 માં રાજયમાં કુલ 1597188 દસ્તાવેજ નોંધાયા હતા. આ અગાઉ એટલે કે 2021 માં પણ રાજયમાં 1429607 દસ્તાવેજોની નોંધણી થઈ હતી. આમ, દસ્તાવેજોની નોંધણીમાં દર વર્ષે સતત વધારો થઈ રહ્યો છે અને ચાલુ વર્ષે પણ અત્યાર સુધી તો વધારાનો ટ્રેંડ યથાવત રહ્યો છે. 2022 માં સમગ્ર વર્ષ દરમ્યાન દસ્તાવેજોની નોંધણી થકી સ્ટેમ્પ ડયુટી પેટે રૂા.8769 કરોડની સરકારને આવક થઈ હતી. આમ, દર મહિને સરેરાશ જોઈએ તો રૂા.730 કરોડની આવક સ્ટેમ્પ ડયુટીની થઈ હતી. જોકે હવે નવા જંત્રીના અમલને લઈને લોકોએ છેલ્લા દિવસો સુધી દસ્તાવેજ નોંધાવવા માટે દોડધામ કરી હતી.જેના પગલે સરકારને 13 દિવસની કામગીરીમાં જ રૂા.1250 કરોડ સ્ટેમ્પ ડયુટીની આવક થઈ છે.આમ, 2022 ની માસીક આવક કરતાં 13 દિવસમાં જ બમણી આવક થઈ છે.