મુંબઈની જુહુ પોલીસે 17 વર્ષના ચોરની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, ચોરે સોનું ચોર્યા પછી એને મેઈન હોલના ઢાંકણામાં સંતાડી દીધું હતું અને પોતે મિત્રો સાથે બિયર પાર્ટી કરી રહ્યો હતો. પોલીસે જ્યારે તેની ધરપકડ કરી તો તેની પાસેથી 21 લાખ રૂપિયાના દાગીના મળી આવ્યા.
આ ઘટના મુંબઈના જુહુ પોલીસ વિસ્તારમાં બની છે. નેહરુનગર વિસ્તારમાં રહેતી પૂજા તેના પરિવાર સાથે મહાબળેશ્વર ફરવા માટે ગઈ હતી, પણ જ્યારે તે મહાબળેશ્વરથી પાછી આવી તો તેના પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. તેણે જોયું કે ઘરમાં રાખેલા લગભગ 21 લાખ રૂપિયાનાં ઘરેણાં ગુમ થઈ ચૂક્યાં હતાં. પૂજાને સમજતાં થોડીકવાર લાગી કે ઘરમાં ચોરી થઈ ચૂકી છે.
પૂજાએ તેના નજીકના જુહુ પોલીસ સ્ટેશનમાં જઈને આ મામલાની FIR નોંધાવી. ત્યાર પછી પોલીસે કેસની તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે પૂજાના પરિવારનું કોઈ સભ્ય ઘરે નથી. ચોરીની શંકા આસપાસના લોકો પર ગઈ હતી. પોલીસે આસપાસમાં ગુનાહિત છાપ ધરાવનાર લોકોની પૂછપરછ શરૂ કરી. આ દરમિયાન પોલીસને ખબર પડી કે એક છોકરાએ મિત્ર સાથે પાર્ટી કરવા માટે બિયરની બોટલ સાથે અન્ય સામાનનો ઓર્ડર કર્યો હતો. બસ, પોલીસને અહીંથી જ ભાળ મળી.
પોલીસે જ્યારે તપાસ કરી તો ખબર પડી કે તે છોકરો નવમું ધોરણ નાપાસ છે અને કામની શોધમાં છે. તેના પપ્પા ટેમ્પો ચલાવે છે. આવી ખરાબ સ્થિતિમાં પાર્ટી માટે પૈસા ક્યાંથી આવ્યા? આ વાતની પૂછપરછ માટે જ્યારે પોલીસે તેને બોલાવ્યો તો તેણે ચોરી કરી હોવાની વાત સ્વીકારી લીધી.
જ્યારે તેની પૂછપરછ કરાઈ તો તેણે સ્વીકાર્યું કે ગટરમાં ઊતરતી વખતે તેને ઈજા થઈ હતી. ત્યાર પછી પોલીસે ગટરમાં તપાસ કરી તો ચોરી થયેલું સોનું મળી આવ્યું, સાથે જ આ છોકરાએ આ પહેલાં પણ મોબાઈલ ચોરી કરીને આ પ્રકારે સંતાડતો હોવાનો ઘટસ્ફોટ કર્યો.