જામનગર એલસીબી પોલીસે ધ્રોલમાં રહેણાંક મકાનમાંથી રૂા. 1,26,799ની કિંમતની 851 નંગ નશાકારક પીણાની બોટલો ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જામનગર શહેર-જિલ્લામાં આયુર્વેદિક પીણાના ઓઠા તળે કેટલાંક શખ્સો દ્વારા નશાકારક પીણાની બોટલોનું વેચાણ કરાતું હોવાની બાતમીના આધારે એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા ઠેર-ઠેર દરોડાઓ પાડવામાં આવી રહ્યાં છે. જેના ભાગરુપે એલસીબીની ટીમે ધ્રોલમાં દ્વારકેશ સોસાયટીમાં રહેતા દિનેશભાઇ અરજણભાઇ ઉર્ફે બાબુભાઇ શિયાર નામના શખ્સને રહેણાંક મકાન પર દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન મકાનમાંથી અલગ-અલગ કંપનીના નશાયુક્ત પીણાની 851 નંગ બોટલોના જથ્થો મળી આવ્યો હતો. જેથી એલસીબીની ટીમે કુલ રૂા. 1,26,799ની કિંમતનો નશાકારક પ્રવાહીની બોટલોનો જથ્થો કબજે કરી લીધો છે અને મકાન માલિક દિનેશ શિયાળની વધુ પૂછપરછ હાથ ધરી છે.
માળિયા પોલીસની ટીમ જુના રેલવે ફાટક પાસે માળીયા-જામનગર હાઇ-વે રોડ પર પેટ્રોલિંગમાં હતી. આ સમયે આરોપી મહેબુબ સુલેમાનભાઇ સુમરા અને સાગર કાંતિલાલ સ્વિફટ કાર લઇને નિકળતા શંકાસ્પદ હાલતમાં જણાતાં પોલીસે કાર રોકી તલાસી લેતાં તેમાંથી રૂા. 68,400ની કિંમતની વિદેશી દારુની 228 બોટલ મળી આવી હતી. જેથી પોલીસે બંનેની અટકાયત કરીને દારુ તથા કાર સહિત રૂા. 2,68,400નો મુદ્ામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોબરીના મધુપુર પાસેથી ઇકો કારમાં મુળજસદણનો રહેવાસી રમેશ પોપટ વાઘાણી નિકળતા પોલીસે તલાસી લેતાં કારમાં ઇંગ્લીશ દારુની અલગ અલગ બ્રાન્ડની રૂા. 61,530ની કિંમતની 149 બોટલ મળી આવી હતી. જેને પગલે પોલીસે તેની પૂછપરછ કરતાં આરોપી રમેશ વાઘાણીએ કબુલાત આપી હતી કે, આ વિદેશી દારુની હેરાફેરી કરી રહ્યો હતો અને તેની સાથે ગોપાલ ગોરધનભાઇ કોળી પણ સામેલ છે. જેથી પોલીસે બંને આરોપીઓ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.