જામનગર શહેર અને જિલ્લામાં આ વર્ષે ચોમાસાની સીઝનમાં મેઘરાજા ઓળઘોળ થયા છે તેમાં મોસમના પ્રથમ વરસાદમાં જ જામનગરના સરેરાશ વરસાદ કરતા પણ વધુ પાણી આકાશમાંથી વરસાવી દીધું છે જેના કારણે શહેરના જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ સહિતના અડધો ડઝન ડેમ ઓવરફલો થઈ ગયા હતાં. બીજા રાઉન્ડમાં આજે બે થી છ સુધીના ચાર કલાકમાં જ જામજોધપુરમાં સાત ઈંચ વરસાદ વરસી જતાં પાણી-પાણી થઈ ગયું હતું.
હવામાન વિભાગની આગાહી મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં બે દિવસથી મેઘાવી માહોલ બની ગયો છે. વરસાદના બીજા રાઉન્ડમાં બુધવારે સવારથી ગુરૂવારે સવાર સુધી જામનગર શહેર અને જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. આગાહી મુજબ જ જિલ્લામાં સામાન્ય ઝાપટાથી સાત ઈંચ જેટલો વરસાદ આજે સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીના બાર કલાકમાં વરસી ચૂકયો છે. વરસાદના પ્રથમ રાઉન્ડમાં જામનગર શહેર ઉપર મેઘો ઓળઘોળ રહ્યો હતો. તેમ બીજા રાઉન્ડમાં આજે જામજોધપુર ઉપર મેઘો ઓળઘોળ થઈ ગયો છે. જામજોધપુરમાં આજે બપોરેના બે વાગ્યાથી સાંજના છ વાગ્યાના સુધીના માત્ર ચાર કલાકના સમય દરમિયાન જ અંદાજે સાત ઈંચ (174 મિ.મી.) વરસાદ વરસી ગયો છે અને હજુ કાલ સવાર સુધીમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી રહી છે.
ઉપરાંત લાલપુરમાં આજે સવારથી જ સામાન્ય ઝાપટાં પડયા હતાં. ત્યારે બપોરે બે વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીના ચાર કલાકમાં ત્રણ ઈંચ પાણી વરસી ગયું હતું અને કાલાવડમાં સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીના 12 કલાકમાં ધીમી ધારે તો કયારેક મધ્યમ ધારે ત્રણ ઇંચ પાણી આકાશમાંથી વરસાવી દીધું છે અને ધ્રોલમાં આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના ચાર કલાકમાં દોઢ ઇંચ પાણી પડી ગયું હતું અને સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં સામાન્ય ઝાપટાં વરસ્યા હતાં. ઉપરાંત જામનગર શહેરમાં 12 કલાક દરમિયાન અડધો ઈંચ અને જોડિયામાં સામાન્ય ઝાપટું પડયું હતું.