કેન્દ્રએ અમલી બનાવેલા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ છેડેલાં આંદોલનને બુધવારે 6 મહિના પૂર્ણ થતાં ‘કાળો દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવી છે. જે ખેડૂતો જ્યાં છે ત્યાં રહીને કાળો ઝંડો ફરકાવી, સરકાર વિરોધી નારેબાજી અને પૂતળા સળગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.
3 કૃષિ કાયદા પાછા ખેંચવાની માગ સાથે દિલ્હીની વિવિધ સરહદો પર છેલ્લા 6 મહિનાથી ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. ખેડૂતોએ આરોપ લગાવ્યો કે કોરોનાનો ભય બતાવીને સરકાર અમોને આંદોલનથી ખદેડવા ઈચ્છે છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે અમારો વિરોધ સરકારથી છે. અમે તો તિરંગો પણ હાથમાં લીધો છે. સરકાર તો એવું પણ કહે છે કે તિરંગો હાથમાં કેમ લઈ લીધો. 6 મહિના થઈ ગયા જો સરકાર ન સાંભળતી હોય તો કાળા ઝંડા લગાવીશું જ.
બીજીતરફ પંજાબમાં આમ આદમી પાર્ટીએ ખેડૂતો દ્વારા ર6મી મે કાળા દિવસ તરીકે ઉજવવાના નિર્ણયને ટેકો આપ્યો હતો. 40 જેટલાં ખેડૂત સંગઠનનું પ્રતિનિધિત્વ કરતાં સંયુક્ત કિસાન મોરચાએ વડાપ્રધાન મોદીને પત્ર લખી વાટાઘાટ ફરી શરૂ કરવા અપીલ કરતો પત્ર લખ્યો હતો પરંતુ કોઈ પ્રતિભાવ મળ્યો નથી.