બિહારના અરરિયા જિલ્લામાં આજે રોજ આગ લાગતા 6 બાળકો સળગી જતા તમામના મૃત્યુ નીપજ્યા છે. આ બનાવ અરરિયાના પલાસી બ્લોકના કવૈયા ગામનો છે. તમામ બાળકો ઘરમાં મકાઈના ડોડા શેકી રહ્યા હતા તે દરમિયાન એકાએક બાજુમાં પડેલ ઘાસચારામાં આગ લાગતા તમામ બાળકો જીવતા ભૂંજાઈ ગયા હતા. આ તમામની ઉંમર 2.5થી 5 વર્ષની છે. લોકોએ ફાટી નીકળેલ આ જ્વાળાના કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો પંરતુ તેઓ બાળકોને બચાવી શક્યા નહી. આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે.
અરરિયામાં પલાસીના કવૈયા ગામમાં એક જ પરિવારના 6 બાળકોના મૃત્યુ નીપજ્યા છે. તમામ બાળકો ઘરમાં મકાઈના ડોડા શેકી રહ્યા હતા તે વેળાએ અચાનક બાજુમાં પડેલ પશુના ઘાસચારામાં આગ ફાટી નીકળી હતી. અને આગ એટલી વિકરાળ હતી કે કેટલા બાળકો ફસાયા છે તે પણ નક્કી થઇ શકે તેમ ન હતું. સ્થાનિકોએ આગને કાબુમાં લેવા પ્રયત્ન કર્યો પરંતુ આગ કાબુમાં ન આવતા ઘટના સ્થળે તાત્કાલિક ફાયર બ્રિગેડની ગાડીઓ પહોચી ગઈ હતી. અને આગ કાબુમાં આવી ત્યારે 6 બાળકોના સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. આ છ બાળકો જેમાં અશરફ (ઉ.વ.5), ગુલનાજ (ઉ.વ.2.5), દિલવર (ઉ.વ.4), બરકસ (ઉ.વ.3), અલી હસન (ઉ.વ.3) અને હસ્ન આરા (ઉ.વ.2.5) નામના બાળકો ઘરમાં બેસીને મકાઈ શેકી રહ્યા હતા ત્યારે બાજુમાં પડેલ ઘાસચારામાં એકાએક આગ ફાટી નીકળી હતી. જે ઘરમાં આગ લાગી તે મંજૂર અલીનું ઘર હતું અને તેના બાળકોનું પણ આ ઘટનામાં મૃત્યુ થયું હતું. મૃત બાળકોને 4-4 લાખનું વળતર આપવામાં આવશે.