ગઇકાલ તા. 30ના રોજ રામનવમીની જાહેર રજા હોવા છતાં પણ માર્ચ મહિનાના અંતિમ દિવસો હોય, જામનગર મહાનગરપાલિકા દ્વારા કર દાતાઓ માટે કેશ કલેકશન સેન્ટર ચાલુ રાખવામાં આવ્યા હતાં. જેમાં રજાના દિવસોમાં પણ ગઇકાલે શહેરના 554 આસામીઓએ રૂા. 59,68,691નો વેરો ભરપાઇ કર્યો હતો. બીજીતરફ તા. 29ના મિલકત વેરાના 79 બાકીદારો પાસેથી મિલકત વેરા શાખાએ રૂા. 36,48,903ની વેરા વસુલાત કરી હતી.
જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલ વર્ષ 2022-23 અંતર્ગત વ્યાજ રાહત યોજના અંતિમ ચરણમાં હોય, ગઇકાલે રામનવમીની રજાના દિવસે પણ તમામ કેશ કલેકશન સેન્ટર ચાલુ રાખવામાં આવ્યા હતાં. જેમાં કુલ 544 જેટલા આસામીઓએ વ્યાજ રાહત યોજનાનો લાભ લીધો હતો. ગઇકાલે વોર્ડ નં. 1થી 16માં કુલ 544 આસામીઓએ રૂા. 59,68,691નો વેરો ભરપાઇ કર્યો હતો. વ્યાજમાફી યોજનાનો અંતિમ દિવસ હોય, જામ્યુકોની મિલકત વેરા શાખા નિયંત્રણ હેઠળના મુખ્ય કલેકશન વિભાગ (શરૂ સેકશન/રણજીતનગર, ગુલાબનગર) સેન્ટરો આજે પણ મોડીરાત્રી સુધી ચાલુ રાખવામાં આવશે. જેમાં કરદાતાઓ મિલકત વેરો ભરી શકશે. આ ઉપરાંત મિલકતવેરા શાખા દ્વારા તા. 29 માર્ચ બુધવારના રોજ શહેરમાં કુલ 79 આસામીઓ પાસેથી રૂા. 36,48,903ની વેરા વસુલાત કરવામાં આવી હતી.