ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા આદરી ગામે દરિયાકિનારે પ્રિ-વેડિંગ શૂટ દરમિયાન પાંચ લોકો સેલ્ફી લેતી વખતે દરિયાના મોજાની ઝપેટમાં આવી ગયા હતા, જેમાં ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે એક યુવતી તણાઈ ગઈ હતી.
મળતી માહિતી મુજબ, વેરાવળ નજીકના વિસ્તારમાંથી આ યુવક-યુવતીઓનો સમૂહ ફોટોશૂટ માટે બીચ પર આવ્યો હતો. ફોટોશૂટ ચાલી રહ્યું હતું એ દરમિયાન અચાનક સમુદ્રમાં ઊંચી લહેરો ઊછળી અને પાંચેય લોકોને પોતાની સાથે ખેંચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં વેરાવળ ફાયરબ્રિગેડ, પોલીસતંત્ર અને સ્થાનિક તરવૈયાઓની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ અને સંયુક્ત બચાવ કામગીરી હાથ ધરી હતી પરિણામે પાંચ માંથી ચારને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. પરંતુ દુર્ઘટનામાં 30 વર્ષીય યુવતી જ્યોતિ હરસુખભાઈ પરમાર હજુ પણ લાપતા છે. ફાયરબ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા દરિયામાં લાપતા યુવતીની શોધખોળ કામગીરી ચાલુ છે.


