Tuesday, December 24, 2024
Homeરાજ્યજોડિયામાં સવારે બે કલાકમાં 5 ઇંચ તોફાની વરસાદ

જોડિયામાં સવારે બે કલાકમાં 5 ઇંચ તોફાની વરસાદ

ઉંડ-2 છલોછલ, ત્રણ દરવાજા ખોલાયા

- Advertisement -

ધ્રોલ-જોડિયા પંથકમાં વરસેલા મુશળધાર વરસાદને પગલે મજોઠ ગામ પાસે આવેલ ઉંડ-2 ડેમ છલોછલ ભરાઇ જતાં ડેમમાં પાણીનું નિયત લેવલ જાળવી રાખવા ડેમના 3 દરવાજા સાત ફૂટ ખોલવામાં આવ્યા છે. જેને કારણે ડેમની નીચેના વિસ્તારમાં આવેલાં મજોઠ, આણંદા, બાદનપર, ભાદરા, જોડિયા, કુન્નડના ગ્રામજનોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા અને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

- Advertisement -

જામનગર સહિત સમગ્ર હાલારમાં ફરી એકવખત મેઘાવી માહોલ સર્જાયો છે. જયારે જોડિયામાં તો ભાદરવાના ભુસાકા જેવો આજે સવારે માત્ર બે કલાકમાં પાંચ ઇંચ સાંબેલાધાર વરસાદ ખાબકતાં સમગ્ર જોડિયા પંથક પાણી-પાણી થઇ ગયો છે. આજે સવારે 4 કલાકમાં અહીં કુલ 6 ઇંચ વરસાદ વરસી ચૂકયો છે. તો ધ્રોલમાં પણ ગઇકાલે સવા ઇંચ વરસાદ વરસ્યો હતો. જામનગર શહેરમાં પણ સવારે હળવું ઝાપટું વરસ્યું હતું. બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. ખાસ કરીને ભાટિયા અને આસપાસના વિસ્તારોમાં સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પરિણામે ભાટિયા શહેરના માર્ગો પર નદી વહેતી હોય તેવો માહોલ સર્જાયો હતો. જોડિયા તાલુકામાં થયેલા ભારે વરસાદે કારણે તાલુકાનો ઉંડ-2 ડેમ છલોછલ થઇ જતાં તંત્રને ડેમના સાત દરવાજા ખોલવાની ફરજ પડી છે.
જામનગર જિલ્લામાં ગત સપ્તાહે થયેલી અતિવૃષ્ટિ બાદ મેઘરાજાએ વિરામ લેતાં થોડી કળ વળી હતી. ત્યાં આજે ફરી જોડિયામાં વરસેલાં મુશળધાર વરસાદે તંત્રની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. જોડિયામાં આજે સવારથી જ ભારે વરસાદી માહોલ જામ્યો હતો અને 6 થી 8 વાગ્યા દરમ્યાન માત્ર બે કલાકમાં અહીં 128 મિલીમીટર એટલે કે પાંચ ઇંચથી વધુ પાણી વરસી જતાં સર્વત્ર સ્થળ ત્યાં જળની સ્થિતિ નિર્માણ પામી હતી. આઠ વાગ્યા બાદ પણ અહીં વરસાદ યથાવત રહ્યો હતો અને બે કલાકમાં વધુ 1 ઇંચ સાથે કુલ ચાર કલાકમાં 6 ઇંચ વરસાદ વરસી ગયો હતો. ભારે વરસાદને કારણે જોડિયા ગામ જળમગ્ન થયું હોય તેવી સ્થિતિ નિર્માણ પામી હતી. સામાન્ય રીતે ભાદરવાના વરસાદને ઘરડો વરસાદ માનવામાં આવે છે. જયાં વરસે ત્યાં પોટલાની માફક વરસતો હોય છે. આવી જ સ્થિતિ ઓ સવારે જોડિયામાં નિર્માણ પામી છે. બીજી તરફ નજીકના જ ધ્રોલ તાલુકામાં પણ ગઇકાલે સવા ઇંચ વરસાદ વરસ્યો હતો. તો જામનગર શહેરમાં પણ સવારે ઘટાટોપ વાદૃળો વચ્ચે વરસાદનું એક જોરદાર ઝાપટું વરસી ગયું હતું. જેણે માર્ગોને પલાળ્યા હતા. આ ઉપરાંત છેલ્લા 24 કલાક દરમ્યાન જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ઝાપટાથી માંડીને દોઢ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ધ્રોલ તાલુકાના લૈયારામાં દોઢ ઇંચ તથા લતીપુરમાં સવા ઇંચ, જોડિયાના હડિયાણામાં પોણો ઇંચ પાણી વરસ્યું હતું.


જામનગર જિલ્લા ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ મેઘાડંબર છવાયો છે. કલ્યાણપુર તાલુકાના ભાટિયામાં આજે સવારે વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પરિણામે ભાટિયા અને આજુબાજુના વિસ્તારો પાણી-પાણી થઇ ગયા હતા. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ હળવો વરસાદ વરસ્યાના અહેવાલો મળી રહયા છે.

- Advertisement -

ધ્રોલમાં સવા ઇંચ, જામનગર શહેરમાં જોરદાર ઝાપટું : જોડિયામાં વરસેલા કુલ છ ઇંચ વરસાદે ફરી તંત્ર અને લોકોની મુશ્કેલી વધારી : દ્વારકા જિલ્લાના ભાટિયામાં
પણ સવારથી ધોધમાર :
ગ્રામ્ય વિસ્તારોમાં છૂટોછવાયો

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular