વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે તા. 27ના સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળની રાજ્યની વિવિધ શાળાઓમાં માળખાકિય અને ડિજિટલ સુવિધાઓના લોકાર્પણ અને ખાત મુર્હુત માટેનો કાર્યક્રમ છોટાઉદેપુર જિલ્લાના મુ. બડોલી ખાતે આયોજિત કરાયો હતો. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-જામનગર સંચાલિત શાળાઓના અપગ્રેડ કરાયેલા કુલ 48 વર્ગખંડો પીએમના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમનું બીઆઇએસએજી વંદે ગુજરાત ચેનલ ઉપરાંત સમગ્ર શિક્ષા-ગુજરાતની ચેનલ ગુજરાત ઇ-કલાસના માધ્યમથી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બે શાળાઓમાં 48 અપગ્રેડ કરેલ વર્ગખંડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-જામનગર સંચાલિત દરેક શાળાઓમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, સમુદાયના આગેવાનો અને મહાનુભાવો નિહાળી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમને નિહાળવા તથા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે સમિતિના ચેરમેન મનિષભાઇ કનખરા, વા.ચેરમેન પ્રજ્ઞાબા સોઢા શાળા નં. 32/50 તથા શાળા નં. 55માં વિદ્યાર્થીઓ, શિક્ષકો સાથે હાજર રહ્યા હતાં. તેમની સાથે શાળાના પ્રભારી મનિષાબેન બાબરીયા, શાળાના આચાર્ય જયેશભાઇ વ્યાસ, મુકેશભાઇ પુજારા તથા સંજયભાઇ ભાતેલીયા, નિરિક્ષક અતુલભાઇ ઠાકર વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.