ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહમંત્રી દ્વારા સમગ્ર રાજ્યમાં વ્યાજખોરી ડામવા માટે ગત તા.5 જાન્યુઆરીથી તા.31 જાન્યુઆરી સુધી ઝુંબેશ અંતર્ગત રાજકોટ રેંજમાં જુદાં-જુદાં સ્થળોએ 600 થી વધુ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 112 પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી અને આ ફરિયાદ સંદર્ભે 188 શખ્સોની ધરપકડ કરી હતી. તે પૈકીના 41 શખ્સો જેલ હવાલે છે. ઉપરાંત નોંધાયેલા આ ગુનાઓમાં 31 ફરિયાદમાં ઈન્કમટેકસ, 10 ફરિયાદમાં ઇડી અને 40 ફરિયાદમાં રજીસ્ટારને રિપોર્ટ કરવામાં આવ્યો હતો.
રાજ્યમાં વ્યાજખોરીના ચુંગલમાં સામાન્ય લોકોને મુકત કરવા માટે અને અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાતમાં તા.5 જાન્યુઆરથી તા.31 જાન્યુઆરી સુધી વ્યાજખોરી ડામવા મહાઅભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ઝુંબેશ અંતર્ગત સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ મહાનિર્દેશકની સૂચનાથી રાજકોટ રેંજ આઈજી અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ જામનગર, દ્વારકા, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં જુદા જુદા સ્થળોએ 600 લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં રાજકોટ રેંજમાં કુલ 112 પોલીસ ફરિયાદમાં 188 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને આ પૈકીના 41 શખ્સો જેલ હવાલે છે. આ ફરિયાદોમાં 31 ફરિયાદમાં ઈન્કમટેકસ, 10 ફરિયાદોમાં ઈડી અને 40 ફરિયાદોમાં રજીસ્ટારને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. તેમજ આ ગુનાઓમાં કુલ 48 દસ્તાવેજો, 165 ચેક, 16 મોબાઇલ, 1.50 લાખની કિંમતની પાંચ બાઇક, રૂા.29,50,000 ની કિંમતની 6 કાર, રૂા.2,50,000 ની કિંમતની બે રીક્ષા અને રૂા.5,42,022 ની કિંમતના સોનાના દાગીના મળી કુલ રૂા.38,95,022 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આ લોક દરબારોમાં દ્વારકા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના નેજા હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 68 લોક દરબાર યોજવામાં આવ્યાં હતાં. જેમાં મળેલી રજુઆતોને પગલે પોલીસે 14 ફરિયાદ નોંધી 23 શખ્સોની ધરપકડ કરી હતી. તે પૈકીના 12 આરોપીઓ હાલ જેલ હવાલે છે તેમજ જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના નેજા હેઠળ જિલ્લામાં 106 સ્થળોએ લોક દરબારનું આયોજન કરી આવેલી રજૂઆતોને પગલે 29 ગુનાઓ નોંધવામાં આવ્યાં હતાં. તે પૈકીના 36 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ 36 પૈકીના 13 આરોપીઓ જેલ હવાલે છે તેમજ મોરબીમાં 21 પોલીસ ફરિયાદમાં 39 શખ્સોની ધરપકડ કરાઈ હતી. તે પૈકીના 03 જેલ હવાલે છે જ્યારે રાજકોટમાં 27 ફરિયાદોમાં 60 શખ્સોની ધરપકડ અને તે પૈકીના 13 આરોપીઓ હાલ જેલ હવાલે છે. તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 21 ફરિયાદમાં 30 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ દ્વારા શરૂ કરાયેલા આ સરાહનીય અભિયાનમાં વ્યાજખોરોના વિષચક્રમાં ફસાયેલા લોકોને મુકત કરાવી આ લોકોને સરળતાથી લોન મળી રહે તે માટે અને વ્યાજખોરીના દૂષણનો ભોગ ન બને તે સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદી જુદી બેંકોના અધિકારીઓને સાથે રાખી 15 સ્થળોએ તથા જામનગર જિલ્લામાં 26 સ્થળોએ, મોરબી જિલ્લામાં 6 સ્થળોએ, રાજકોટ ગ્રામ્યમાં 47 સ્થળોએ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 14 સ્થળોએ મળી કુલ આજ દિન સુધી 108 લોન ધીરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં પણ લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવશે. ઉપરાંત આજની તારીખે 28 રજૂઆતોની તપાસ ચાલુ છે.
જામનગર પોલીસ હેડકવાર્ટર ખાતે મેગા લોન મેળો
રાજકોટ રેંજ આઈજી અશોકકુમાર યાદવની સૂચનાથી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા આગામી તા.14 ફેબ્રુઆરીના દિવસે સવારે 11 થી સાંજના 4 સુધી પોલીસ હેડકવાર્ટર ખાતે શરૂસેકશન રોડ પર જામનગરમાં મેગા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોન મેળામાં રાષ્ટ્રીયકૃત તથા સહકારી બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. લોન લેવા ઈચ્છુક લોકોને આ લોન મેળાનો લાભ લેવા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા અપીલ કરવામાં આવી છે.