રાજકોટના મોરબી રોડ પર શહેરથી 15 કિ.મી.દૂર રતનપર ખાતે ખુલ્લા મેદાનમાં ચાર કલાક ચાલેલા ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં અભૂતપૂર્વ જનસેલાબ વચ્ચે વક્તાઓએ એક સૂરમાં ભાજપને લલકાર કરીને તા.19 સુધીમાં રૂપાલાની ટિકીટ રદ કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું.
તમામ ક્ષત્રિય વક્તાઓએ એવી ઘોષણા કરી હતી કે જો તા.19ના સાંજે ફોર્મ પાછુ ખેંચવાનો સમય પૂરો થયે રૂપાલા ચૂંટણી લડતા હશે તો આ આંદોલન માત્ર તેમના એક વિરુદ્ધ નહીં પણ ભાજપ વિરૂધ્ધનું થશે અને આંદોલનની આ આગ વધુ ભભુકીને તેની જવાળાઓ ગુજરાતની તમામ 26 બેઠકો સુધી તથા સમગ્ર દેશમાં ફેલાશે તેવી ચેતવણી ઉચ્ચારી હતી. તા.19થી આંદોલન ભાગ-2 શરુ કરાશે. પોલીસના અંદાજ મૂજબ આશરે એકથી સવા લાખની મેદની હતી જ્યારે આયોજકોના મતે 2 લાખથી વધુ ક્ષત્રિયો ઉમટ્યા હતા.
રતનપુરમાં રીતસરનો માનવ સાગર ઘુઘવ્યો હતો. જેમના નામ પાછળ સિંહ લાગે છે તેવા ક્ષત્રિયો સફેદ શર્ટ અને બ્લેક પેન્ટમાં તથા હજારો ક્ષત્રાણીઓ કેસરી સાડી પહેરીને ઉમટી પડ્યા હતા. ખુદ વક્તાઓએ કહ્યા મૂજબ 75 વર્ષમાં નથી જોવા મળી તેવી ઐતહાસિક એક્તાના દર્શન આજે થયા છે અમારા સાલિયાણા ગયા, રજવાડા આપ્યા, ટિકીટ ન આપી, મંત્રીપદ ગયાછતાં અમેચૂપ રહ્યા પરંતુ, મર્યાદા નથી તેવા પરશોતમ રૂપાલાના કારણે, તેણે રોટી બેટીના વ્યવહાર કર્યાની ખોટી ટીપ્પણી કરતા સમગ્ર ક્ષત્રિય સમાજનું આ સ્વયંભુ આંદોલન શરુ થયું છે. આ આંદોલનમાં કોઈનો પણ દોરીસંચાર નથી, તે થઈ શકે તેમ નથી. કોઈ રાજકીય પાર્ટી નથી. પરંતુ, સમાજનું સ્વયંભુ આંદોલન છે અને અમારી કોર કમિટી પણ આંદોલનને માત્ર માર્ગદર્શન આપવા માટે છે કોઈ આંદોલન અટકાવી શકે તેમ નથી.