રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી દ્વારા રાજ્યમાં એમએસએમઇની સંખ્યા સહિતના મુદ્ે રાજ્યસભામાં માહિતી માંગવામાં આવી હતી. જેમાં છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 37.56 લાખ નવા એમએસએમઇની નોંધણી થઇ હોવાનું જણાવાયું હતું.
છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 37,56,390 સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની (MSME) નવી નોંધણી થઈ છે. ગત પાંચ વર્ષ દરમિયાન, રાજ્યમાં 8,779 ખજખઊ બંધ થયા છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ કરેલા પ્રશ્ર્નના જવાબમાં રાજ્યકક્ષાના કેન્દ્રીય MSME મંત્રી શોભા કરંદલાજેએ 21 જુલાઈ, 2025ના રોજ આ માહિતી આપી હતી.
મંત્રીના નિવેદન અનુસાર, વૈશ્વિક પડકારોને ધ્યાનમાં રાખીને MSME ક્ષેત્રને સુદૃઢ બનાવવા અને ટેકો આપવા ભારત સરકારે વિવિધ પગલાં લીધાં છે. આત્મનિર્ભર ભારત ફંડ દ્વારા રૂ. 50,000 કરોડનો મૂડી ઉમેરો કરાયો છે. MSME ની સ્થિતિમાં સુધારો થાય તો બિન-કરવેરા લાભો 3 વર્ષ માટે લંબાવાયા છે. રૂ. 200 કરોડ સુધીની ખરીદી માટે કોઈ વૈશ્વિક ટેન્ડરની જરૂર નથી. પ્રાધાન્યતા ક્ષેત્ર ધિરાણ હેઠળના લાભો પ્રાપ્ત કરવા અનૌપચારિક સૂક્ષ્મ સાહસોને ઔપચારિક દાયરામાં લાવવા ઉદ્યમ સહાય પ્લેટફોર્મ (UAP)નું લોન્ચિંગ કરાયું હતું.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે MSME મંત્રાલયની સૂક્ષ્મ અને લઘુ સાહસો (MSEs) માટેની ક્રેડિટ ગેરંટી યોજના હેઠળ, જે સભ્ય ધિરાણ સંસ્થાઓ MSEsને શાખ પૂરી પાડે છે તેઓને કોઈપણ જામીનગીરી અથવા ત્રાહિત-પક્ષની ગેરન્ટી વિના માટે ગેરંટી પૂરી પાડવામાં આવે છે. શાખના ઘટાડેલા ખર્ચે રૂ. 2 લાખ કરોડનું વધારાનું ધિરાણ મેળવી શકાય તે માટે કેન્દ્રીય બજેટ 2023-24માં જાહેર કરાયા મુજબ, MSEs માટે ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટના ભંડોળમાં રૂ. 9,000 કરોડનું વધારાનું ભંડોળ ઉમેરવામાં આવ્યું હતું.
MSME ક્ષેત્રને સુદૃઢ બનાવવા, ભારત સરકારે 2024ના બજેટમાં ઉત્પાદન ક્ષેત્રના માટે મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી સ્કીમ (CGS) તેમજ સ્પેશિયલ મેન્શન એકાઉન્ટમાં(SMA) MSME માટે ક્રેડિટ ગેરંટી સ્કીમની જાહેરાત કરી હતી. વધુમાં, સરકારે બજેટ ઘોષણા 2025 દ્વારા MSMEની વ્યાખ્યામાં સુધારો કરીને CGS હેઠળનું ગેરંટી કવરેજ રૂ. 5 કરોડથી વધારીને રૂ. 10 કરોડ રૂપિયા કર્યું હતું.
નથવાણી જાણવા માગતા હતા કે, ભારતમાં MSME પર વૈશ્વિક આર્થિક મંદીની કેટલી અસર થઈ છે અને આ મુશ્કેલ સમયમાં આ ક્ષેત્રને ટેકો આપવા માટે સરકારે કયાં પગલાં લીધા છે.


