કલ્યાણપુર પંથકમાં સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા જુગાર સામે કરવામાં આવેલી કડક કાર્યવાહી અંતર્ગત સ્થાનિક પી.એસ.આઈ. યુ.બી. અખેડના માર્ગદર્શન હેઠળ ગઈકાલે શુક્રવારે પોલીસ સ્ટાફના પેટ્રોલિંગ દરમિયાન કોન્સ. નારણભાઈ ભીખાભાઈ આંબલીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભોગાત ગામની ઉગમણી સીમમાં આવેલી વિજય કંડોરીયાની વાડીની બાજુમાં નદીના કાંઠે ટોર્ચ બતીના અજવાળે ગંજીપાના વડે જુગાર રમી રહેલા વિજય હરદાસ કંડોરીયા, હેમત પરબત કંડોરીયા, વેજાણંદ કેશુર કંડોરીયા, જેઠા રાણા ચેતરીયા, ડાડુ વજશી કંડોરીયા, કાના રાજા કાંબરીયા, વિજય સવદાસ ભાટીયા અને અરજણ દેશુર કંડોરીયા નામના આઠ શખ્સોને પોલીસે ઝડપી લઇ, રૂપિયા 21,680 રોકડા તથા રૂપિયા 29 હજારની કિંમતના 7 નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા 60 હજારની કિંમતના ત્રણ મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 110,870 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા સીમ વિસ્તારમાં રહેતા સુમિતાબેન હસમુખભાઈ વિઠલાણી નામના ચાલીસ વર્ષના મહિલાએ પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવી અને પોતાના રહેણાંક મકાનમાં નાલ ઉઘરાવીને જુગારનો અખાડો ચલાવતા આ સ્થળે પોલીસે દરોડો પાડ્યો હતો. જુગારની આ મહેફિલમાંથી પોલીસે 11 મહિલા અને હસમુખભાઈ ગોરધનભાઈ સોમૈયાને પોલીસે ઝડપી લઇ, 6 નંગ મોબાઈલ ફોન તથા રૂપિયા 16,750 રોકડા મળી કુલ રૂપિયા 30,750 મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી. અન્ય એક દરોડામાં મીઠાપુર પોલીસે મોડીરાત્રીના સમયે સુરજકરાડી મલાળા તળાવ વિસ્તારમાં જુગાર દરોડો પાડી ત્રણ મહિલા અને બાલુ રણછોડ ચૌહાણ, પરેશ ભીખુ પરમાર નામના પાંચ શખ્સોને જુગાર રમતા રૂા. 11,230 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ભાણવડથી આશરે 23 કિલોમીટર દૂર ચોખંડા ગામની સીમમાં સ્થાનિક પી.એસ.આઈ. એમ.આર. સવસેટા તથા એમ.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા પાડવામાં આવેલા જુગાર દરોડામાં ઝાડ નીચે બેસી અને તીનપત્તી નામનો જુગાર રમી રહેલા જયેશ ભોજા ગોજીયા, મેરામણ માંડણ ગોજીયા, હમીર પાલા ગોજીયા, લખમણ સાજણ કરંગીયા, રામા દેવા પિંડારિયા અને વિજય લખમણ ગોજીયા નામના છ શખ્સોને પોલીસે રૂપિયા 16,600 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.