કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી તહેવારોની ઉજવણીને ગ્રહણ લાગ્યા બાદ હવે કોરોનાનું સંક્રમણ ઘટતા તહેવારોની ઉજવણીની રંગત જામી રહી છે.
રંગોના પર્વ હોળી-ધુળેટીને આડે હવે ઘડીઓ ગણાય રહી ત્યારે જામનગરની બજારોમાં વિવિધ વેપારીઓ દ્વારા અલગ-અલગ વેરાઈટીની પિચકારીઓનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ચાલુ વર્ષે વિવિધ પ્રકારની કાર્ટુનવાળી પિચકારીઓની સાથે સાથે પબ્જી ગનવાળી પિચકારીએ બાળકોમાં આકર્ષણ જમાવ્યું છે. પરંતુ વધી રહેલી મોંઘવારીના લીધે રંગ અને પિચકારીઓમાં ૨૦ ટકાનો ભાવ વધારો થયો છે. છેલ્લા બે વર્ષથી કોરોના કાળ ને કારણે હોળી ધુળેટી જેવા તહેવારોની ઉજવણી કરી ન હતી. પરંતુ હાલ કોરોનાનુ સંક્રમણ ઘટતાં સરકાર દ્વારા તમામ પ્રકારની છૂટ આપવામાં આવી છે. ત્યારે રંગ અને પિચકરીમાં ૨૦ ટકાનો ભાવ વધારો ઝીંકાયો હોવા છતાં લોકો રંગ અને પિચકરીઓ લેવા માટે મજબૂર બન્યા છે. લોકોના તહેવારને લઈને એકબાજુ ઉત્સાહ છે તો બીજી બાજુ મોંઘવારીના લીધે મૂંઝવણમાં પણ મુકાયા છે.
ધુળેટી પર્વ દરમ્યાન લોકો એકબીજા પર ગુલાલ તેમજ રંગ છાંટી પર્વની ઉજવણી કરતા હોય છે ત્યારે ધૂળેટી પર્વને અનુરૂપ વિવિધ પ્રકારની પિચકારીઓ તેમજ રંગ ગુલાલનું વેચાણ શરૂ થઈ ગયું છે. ત્યારે છેલ્લા બે વર્ષથી બાળકોએ તહેવારોની ઉજવણી નથી કરી. હાલ કોરોના હળવો પડતા બાળકોમાં પણ હોળી ધુળેટીના તહેવારને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોંઘવારીના માર વચ્ચે પણ લોકો પોતાના બાળકો માટે વિવિધ પ્રકારની પિચકારીઓ તેમજ રંગો ખરીદતા નજરે પડ્યા હતા.