જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં બે સપ્તાહથી કોરોના સંક્રમણ સતત વધતું જાય છે. તેમાં પણ ખાસ કરીને શહેરના વિસ્તારમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં અનેકગણો વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર જિલ્લામાં 22 નવા કેસ અને ખંભાળિયામાં 4 મળી કુલ 26 પોઝિટિવ કેસ હાલારમાં નોંધાયા છે.
ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વકરતું જાય છે. રાજ્યમાં સૌથી વધુ પોઝિટિવ કેસની સંખ્યા અમદાવાદમાં નોંધાઇ રહી છે તેમજ મૃત્યુઆંક આ વખતે ઘટી ગયો છે. રાજ્યની સાથે સાથે હાલારમાં કોરોના સંક્રમણ ઝડપથી વકરતું જાય છે. જેમાં જામનગર શહેરમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધતી જાય છે. છેલ્લાં 24 કલાકના આંકડાઓ જોઇએ તો શહેરમાં 17 અને તાલુકા વિસ્તારમાં 5 મળી જામનગર જિલ્લામાં કુલ 22 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. અગાઉ કોરોના મહામારીએ વિશ્ર્વ આખામાં કાળો કહેર વર્તાવ્યો હતો અને આ મહામારીમાં કરોડો લોકોના મોત નિપજ્યા હતાં. પ્રથમ અને બીજી લહેર વધુ ઘાતક બની હતી. જ્યારે ત્રીજી લહેરમાં મોતનું પ્રમાણ મહદઅંશે ઘટી ગયું હતું અને હાલની ચોથી લહેરમાં કોરોનાની ઘાતકતામાં મોટો ઘટાડો થતાં મૃત્યુઆંક નહીંવત રહ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસ ધીમા પગલે વધી રહ્યા છે. જિલ્લામાં સોમવારે ખંભાળિયાના એક નવા કોરોના પોઝિટિવ કેસ બાદ ગઈકાલે દ્વારકા તાલુકામાં એક સાથે ચાર નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 24 કલાક દ્વારા દરમિયાન કરવામાં આવેલા કુલ 404 કોરોના ટેસ્ટ પૈકી દ્વારકાના ચાર કેસ નોંધાયા છે. જો કે અન્ય ત્રણ તાલુકાઓમાં એક પણ નવો દર્દી નોંધાયો નથી. સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કોરોનાના નવા કેસો વધી રહ્યા છે.