જામનગરના ખીમરાણા ગામે વેપાર કરતા વૃદ્ધને એક શખ્સે પોતે હેવલ્સ ઈન્ડીયા કંપનીનો કર્મચારી હોવાની ઓળખ આપી અલગ અલગ તારીખે બ્રાસના માલની ખરીદી કરી રૂા.23,98,704 નો મુદ્દામાલ લઇ પૈસા ન ચૂકવી અન્ય શખ્સે માલ લેનાર આરોપીનું મૃત્યુ થયું હોવાની ખોટી માહિતી આપી છેતરપિંડી કર્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે.
આ અંગેની વિગત મુજબ, આરોપી વિશાલ હેમંતભાઈ કણસાગરા દ્વારા પોતે હેવલ્સ ઈન્ડીયા લિમિટેડ કંપનીનો કર્મચારી હોવાની ઓળખ આપી રવજીભાઈ પ્રાગજીભાઈ ધારવીયા પાસેથી તા.1-1-2019 થી અત્યાર સુધીમાં અલગ અલગ તારીખે કુલ રૂા.23,98,704 ની કિંમતનો બ્રાસના માલ 5 એ એમ પી જોઇન્ટ સોકેટ પાર્ટના જથ્થાની ખરીદી કરી હતી. આ જથ્થો લઇ પૈસા ચૂકવ્યા ન હતાં. તેમજ અન્ય આરોપી હેમતભાઈ કણસાગરા દ્વારા ફરિયાદી રવજીભાઈને આરોપી વિશાલનું મૃત્યુ થયું હોવાની ખોટી માહિતી આપી હતી. બંને આરોપીઓ દ્વારા એક બીજાની મદદગારી કરી ફરિયાદી રવજીભાઈ સાથે છેતરપિંડી આચર્યાની તા.15 ના રોજ ફરિયાદી દ્વારા પંચ એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. ફરિયાદના આધારે પંચ એ પોલીસ દ્વારા વિશાલ હેમંતભાઈ કણસાગરા તથા હેમંતભાઈ કણસાગરા વિરુધ્ધ ફરિયાદ નોંધી પીએસઆઈ જે.પી. સોઢા દ્વારા વધુ તપાસ હાથ ધરી હતી.


