ખંભાળિયા તાલુકાના જે.પી. દેવળીયા ગામની સીમમાં ગત સાંજે સ્થાનિક પોલીસે જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા કિશોર હરજીભાઈ પ્રજાપતિ, રવજીભાઈ ધેડીયા, આમદભાઈ અલીભાઈ ખીરા, ભીખાભાઈ ભુરાભાઈ ત્રિવેદી અને મેરુપરી રતનપરી ગોસાઈ નામના પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખસો પાસેથી રૂા.10,390 રોકડા તથા રૂા. 11,500ની કિંમતના પાંચ નંગ મોબાઇલ ફોન અને રૂા.75 હજારની કિંમતના ત્રણ મોટરસાયકલ મળી કુલ રૂા. 96,890 નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.
જ્યારે અહીંના નગર ગેઈટ વિસ્તારમાંથી પોલીસે અમૃત વાલા ડોરુ, કરશન ભોજા રોશીયા, પેથા ગંગા માતંગ, પ્રવીણ વાલા ડોરુ, નામોરી રાજુ માતંગ અને જીતુ જેઠા ડોરુ નામના છ શખ્સોને ચકલી પોપટવાળા પેડ ઉપર અલગ અલગ ચિત્રોમાં પૈસા મુકાવી, ચિઠ્ઠી નાખી અને શરત લગાવીને જુગાર રમતા રૂપિયા 3,050ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામેથી સ્થાનિક પોલીસે મોડી રાત્રીના સમયે સ્ટ્રીટલાઇટના અજવાળે ગંજીપત્તા વડે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા હરદાસ ધના લગારીયા, દેશુર અરસી લગારીયા, રામદે ગોવા લગારીયા, સુનિલ ઉર્ફે મુન્નો બાબુભાઈ સોઢા, બાબુ અરજણ ગોહિલ અને મેરુ અરજણ જીયા નામના છ શખ્સોને રૂા. 13,670 ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.
જ્યારે કલ્યાણપુર તાબેના બાકોડી ગામે જાહેર ચોકમાં મોડી રાત્રીના સમયે ગંજીપત્તા વડે જુગાર રમી, પૈસાની હાર-જીતની કરતા નારણ ઝીણા વાઘેલા, ભીખુ કરસન વાઘેલા, કારા પાલા વાઘેલા, અને ચના ઝીણા વાઘેલા નામના ચાર શખ્સોને પોલીસે રૂા. 6,320 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.