જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકા નજીક પોલીસ ચેકિંગમાં હતી તે દરમિયાન સતાપર જવાના રસ્તા નજીકથી બોલેરો માંથી 2000 લીટર ભેળસેળયુકત બાયોડીઝલ જપ્ત કર્યું હતું. હેરફેર કરનાર બે શખ્સોની અટકાયતમાં બાયોડીઝલની સપ્લાય કરનાર રાજકોટના શખ્સ તેમજ બાયોડીઝલનો જથ્થો મંગાવનાર ભાણવડ તાલુકાના શખ્સનું નામ સામે આવતા સવા લાખ ઉપરાંતનો જથ્થો જપ્ત કરી તમામ વિરુધ જામજોધપુર પોલીસ મથકે ગુન્હો નોંધ્યો છે.
જામજોધપુરથી સતાપર જવાના રસ્તા નજીક રાત્રીના સમયે પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રાજકોટ જીલ્લાના ખજુરડા ગામના મનોજભાઈ જીકાભાઈ સોલંકી તથા જેતપુર તાલુકાના મોટાગુંદાળા ગામના મુકેશભાઈ ભીખાભાઈ બાંભવા નામના બે શખ્સો પેટ્રોલીયમ પ્રવાહી ભેળસેળયુક્ત બાયોડીઝલનો જથ્થો ફાયરસેફટીના સાધનો રાખ્યા વગે પોતાની બોલેરો પીકઅપ જેના નં-જીજે-3-બીવી-1941માં હેરફેર કરતી વખતે ઝડપાયા હતા. પોલીસે બોલેરો માંથી 2000લીટર બાયોડીઝલ જેની કિંમત રૂ.1લાખ 30હજારનો જથ્થો જપ્ત કરી બન્ને શખ્સની અટકાયત કરી પુછપરછ દરમિયાન ભેળસેળયુક્ત બાયોડીઝલની સપ્લાય કરનાર જામકંડોરણા તાલુકાના તરવાડા ગામના જીતેન્દ્રભાઈ પ્રેમજીભાઈ કથીરિયા તથા આર્થીક લાભ લેવાના ઈરાદે ગેરકાયદેસર રીતે વાહનોમાં આ બાયોડીઝલનો ઉપયોગ કરવા જથ્થો મંગાવનાર ભાણવડ તાલુકાના ચોખંડા ગામના દેવખીભાઈ કાનાભાઈ ગોજીયાનું નામ સામે આવતા પોલીસે બન્નેની શોધખોળ હાથ ધરી ચારે શખ્સો વિરુધ આઈપીસી કલમ 285,114 તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ધારાની કલમ 3,7 મુજબ જામજોધપુર પોલીસ મથકમાં ગુન્હો નોંધ્યો હતો.