વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 13મો હપ્તો રિલીઝ કરશે. જેમાં 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા પહોંચશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, આઠ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં કુલ 16,800 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા કરવામાં આવશે. ગયા વર્ષે મે અને ઓક્ટોબરમાં આ યોજના હેઠળ 11મો અને 12મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે. દેશના કરોડો ખેડૂતો જે 13મો હપ્તાના પૈસાની રાહ જોઈ રહ્યા હતા.
તેમની રાહ આજે પૂરી થઈ જશે. પીએમ મોદી આજે 8 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 16,800 કરોડ રૂપિયાની રકમ જારી કરશે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ટ્વીટ કરીને આની જાણકારી આપી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ કિસાન) યોજના હેઠળ, પાત્ર ખેડૂતોને દર ચાર મહિને 2,000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક રૂ. 6,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી મોકલવામાં આવે છે. આ યોજના ફેબ્રુઆરી, 2019 માં રજૂ કરવામાં આવી હતી, પરંતુ તે ડિસેમ્બર, 2018 થી અસરકારક માનવામાં આવી હતી. એક સત્તાવાર નિવેદન અનુસાર, વડા પ્રધાન મોદી કર્ણાટકના બેલાગવીમાં આયોજિત એક કાર્યક્રમમાં પીએમ-કિસાન યોજનાનો 13મો હપ્તો રજૂ કરશે. પીએમ કિસાન અને જલ જીવન મિશનના લાભાર્થીઓ સહિત લગભગ એક લાખ લોકો આ કાર્યક્રમમાં ભાગ લે તેવી અપેક્ષા છે. આ દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને કૃષિ સચિવ મનોજ આહુજા પણ હાજર રહેશે.
પીએમ-કિસાન યોજનાનો 11મો હપ્તો મે, 2022માં જયારે 12મો હપ્તો ઓક્ટોબર, 2022માં રિલીઝ કરવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 11 કરોડથી વધુ ખેડૂતોને કુલ 2.25 લાખ કરોડ રૂપિયાની રકમનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમાંથી 1.75 લાખ કરોડ રૂપિયા કોવિડ-19 સમયગાળા દરમિયાન ખેડૂતોને અનેક હપ્તામાં આપવામાં આવ્યા હતા.