કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને સમગ્ર વિશ્વમાં દહેશતનો માહોલ ઉભો કર્યો છે. ભારતમાં પણ બે ડઝન જેટલાં ઓમિક્રોન વેરિએન્ટના કેસ મળી આવ્યા છે. ત્યારે ચિંતામાં વધારો થયો છે. પરંતુ બીજી તરફ ભારત માટે ખૂબજ રાહત ભરી સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા 24 કલાકમાં 18 મહિનાનુ સૌથી ઓછું સંક્રમણ નોંધાયું છે. દેશમાં કોરોના પોઝિટીવના જે કેસ નોંધાયા છે. તે પૈકી 80 ટકાથી વધુ કેસ એકલા કેરળમાં જ નોંધાયા છે. એનો અર્થ એ થયો કે, કેરળ સિવાયના અન્ય રાજયોમાં કોરોનાનું સંક્રમણ ખૂબજ ઘટી ગયું છે. હાલમાં સંક્રમણ એ સ્થિતિએ છે કે, જો થોડી સાવચેતી અને સતર્કતા રાખવામાં આવે તો દેશમાં કોરોનાની ત્રીજી લહેરને ટાળી શકાય તેમ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 6822 નવા કેસ નોંધાયા છે અને 220 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે.10,004 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એકિટવ કેસની સંખ્યા 554 દિવસના નીચલા સ્તર 95014 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 5833 કેસ નોંધાયા છે અને 168 સંક્રમિતોના મોત થયા છે.
સોમવારે 8306 નવા કેસ નોંધાયા હતા અને 221 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 8834 લોકો કોરોના સામે જંગ જીત્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં 128,76,10,590 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 79,39,038 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 10,79,834 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં 3 કરોડ 46 લાખ 57 હજાર 514 કુલ કેસ નોંધાયા છે. જેમાંથી 3 કરોડ 40 લાખ 79 હજાર 615 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. હાલ દેશમાં 95 હજાર 14 કેસ એકટીવ છે. 4 લાખ 73 હજાર 757 લોકોના મોત થયા છે.