રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં ટીપીઓ (ટાઉન પ્લાનીંગ ઓફીસર)ના અભિપ્રાયની માન્યતા છ મહિનાથી લંબાવીને એક વર્ષની કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા તમામ કોર્પોરેશન અને શહેરી વિકાસ સત્તા મંડળોને આ અંગેનો પરિપત્ર પાઠવવામાં આવ્યો છે.
ડ્રાફટ ટીપી સ્કીમમાં આવતા જમીનના પ્લોટમાં બાંધકામ કરવા માટે બિલ્ડરોેએ ચીફ સિટી પ્લાનર તથા રાજ્ય સરકાર નિયુક્ત ટીપીઓના અભિપ્રાય મેળવવાના હોય છે. પ્લોટની બાઉન્ડ્રી, આકાર વગેરે મામલે સ્પષ્ટતા થઇ શકે અને ભવિષ્યમાં કોઇ વિવાદ ન રહે તેવા ઉદ્દેશ્ય સાથેનો આ નિયમ છે. કાયદામાં ટીપીઓનો અભિપ્રાય મળ્યા બાદ તેની માન્યતા છ માસની હતી.
અમદાવાદ કોર્પોરેશને આ અભિપ્રાય માન્યતાનો નિયમ નાબૂદ કરી દેતા ગુંચવાડો સર્જાયો હતો. સમગ્ર મામલો રાજ્ય સરકારમાં પહોંચતા રાજ્ય સરકારે અમદાવાદ કોર્પોરેશનનો પરિપત્ર રદ કરી નાખ્યો છે. જમીન માલિકના સૂચનો અને વાંધાના આધારે ટીપીઓ ટીપી સ્કીમમાં બદલાવ કરે તો ગુંચવાડો સર્જાવાની શક્યતાને ધ્યાને રાખીને સરકારે અમદાવાદ કોર્પોરેશનનો પરિપત્ર રદ કર્યો છે અને વર્તમાન છ મહિનાની માન્યતા લંબાવીને એક વર્ષની કરતો નવો પરિપત્ર તમામ કોર્પોરેશનો અને શહેરી વિકાસ સતા મંડળોને પાઠવ્યો છે.
રાજ્ય સરકારના પરિપત્રમાં એમ જણાવાયું છે કે, ટીપીઓના અભિપ્રાયની માન્યતા એક વર્ષની રહેશે. ટીપી સ્કીમમાં મોટાભાગના રોડ 18 મીટર પહોળા રાખવાનું પણ સૂચવવામાં આવ્યું છે. રાજ્ય સરકારના આ આદેશને પગલે અમદાવાદ કોર્પોરેશને પણ નવો પરિપત્ર ઇસ્યુ કર્યો છે અને એમ જણાવ્યું છે કે ટીપીઓના અભિપ્રાયને એક વર્ષ પૂર્ણ થઇ જાય તો જમીનધારકે નવેસરથી અભિપ્રાય મેળવવો પડશે.