ગુજરાતમાં વ્હેલી ચૂંટણીના સંકેત વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે આગામી તા.18-19-20 ગુજરાત આવી રહ્યા છે અને તેઓ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપીને સમગ્ર રાજયોને ધમરોળશે. ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન આ માસના અંતમાં પણ ફરી ગુજરાત આવી શકે છે. રાજયમાં આ રીતે રાજકીય વાતાવરણ ગરમ બની જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.18,19,અને 20 એપ્રિલ એમ ત્રણ દિવસ ગુજરાતમાં રહેશે. ત્યારે તેમના આ પ્રવાસ દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મોદીના ભરચક કાર્યક્રમો યોજાયા છે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના કાર્યક્રમો ને લઈ સરકાર અને ભાજપ સંગઠન દ્વારા અત્યાર થી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ આગામી 18 એપ્રિલના રોજ સાંજે નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરશે ત્યાંથી સીધા સ્કૂલ ફોર એકસેલન્સ પ્રોજેકટ અંતર્ગત ગાંધીનગર ખાતેના કમાન્ડ કંટ્રોલ ની મુલાકાત કરશે ત્યારબાદ તેઓ રાજભવન રાત્રી રોકાણ કરશે. અને બીજા દિવસે એટલે કે 19 એપ્રિલના રોજ જામનગર ખાતે ટ્રેડિશનલ મેડિકલ રિસર્ચ સેન્ટરની મુલાકાત કરવાના છે. ત્યારબાદ તેઓ બનાસકાંઠા દિયોદર ખાતે અન્ય એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ 20મી એપ્રિલ ના રોજ નરેન્દ્ર ભાઈ મોદી દાહોદ ખાતે ના આયોજિત એક કાર્યક્રમ હાજરી આપી ગાંધીનગર પરત ફરશે અનેતેજ દિવસે સાંજે મહાત્મા મંદિર ખાતે આયોજીત ભારત સરકારના આયુષ વિભાગના કાર્યક્રમમાં હાજરી આપી દિલ્હી રવાના થશે . ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી 18થી 20 એપ્રિલ એટલે કે ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અને અલગ-અલગ કાર્યક્રમમાં તેમની હાજરી રાજકીય રીતે સૂચક માનવામાં આવી રહી છે.